વડોદરા સહિત દેશનાં ચાર શહેરોમાં ક્લાઇમેટ પ્રોજેક્ટ્સ માટે ગ્રીન ફાઇનાન્સની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આબોહવા પરિવર્તન સામે ટકાઉ શહેરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા હવે ગ્રીન ફાઇનાન્સ મેળવવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે. C40 Cities, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સ (NIUA) અને ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ (IIFCL)ના સહયોગથી વડોદરામાં ગ્રીન ફાઇનાન્સ વર્કશોપ યોજાયો હતો. જેમાં ક્લાઇમેટ પ્રોજેક્ટ્સ માટે વિવિધ નાણાકીય સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવવા અને તેનું અસરકારક સંચાલન કરવા કોર્પોરેશનના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પહેલ હેઠળ દેશનાં ચાર શહેરો વડોદરા, અમદાવાદ, મુંબઈ અને પિંપરી-ચિંચવડની પસંદગી રોકાણ માટે તૈયાર ક્લાઇમેટ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે કરવામાં આવી છે. આ શહેરોમાં આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવી શહેરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા ટેકનિકલ સહાય, નીતિગત માર્ગદર્શન અને નાણાકીય સલાહકાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. C40 Cities દ્વારા NIUA અને IIFCL સાથે મળીને આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે ડેલોઇટ ટેકનિકલ ભાગીદાર તરીકે કામગીરી કરી રહી છે.
વર્કશોપમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઉપલબ્ધ ગ્રીન ફાઇનાન્સના વિવિધ વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ક્લાઇમેટ ફંડ, વિકાસલક્ષી નાણાકીય સંસ્થાઓ અને બજાર આધારિત નાણાકીય સાધનો મારફતે ભંડોળ મેળવવાની શક્યતાઓ સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત ક્લાઇમેટ ફાઇનાન્સ મેળવવામાં નીતિગત, સંસ્થાકીય, નાણાકીય અને વહીવટી સ્તરે આવતા અવરોધો તથા તેને દૂર કરવા જરૂરી સુધારા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
વર્કશોપમાં રોકાણકારો પાસેથી ભંડોળ મળી શકે તેવા નાણાકીય રીતે સક્ષમ પ્રોજેક્ટ્સ તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકાયો હતો. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જોખમોનું મૂલ્યાંકન, પ્રોજેક્ટની તૈયારી અને અમલીકરણની સજ્જતા વધારવા તેમજ શહેરી આયોજન અને માળખાકીય વિકાસમાં આબોહવા પરિવર્તનના પરિબળોનો સમાવેશ કરવા અંગે અધિકારીઓને સમજ આપવામાં આવી હતી.
વર્કશોપ દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓએ પોતાના વિભાગોના અનુભવો અને વ્યવહારુ પડકારો રજૂ કર્યા હતા. ક્લાઇમેટ ફાઇનાન્સનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય અને વડોદરામાં ટકાઉ શહેરી વિકાસ માટે કયા પ્રોજેક્ટ્સ આગળ ધપાવી શકાય તે અંગે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ પહેલના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રોકાણ માટે સક્ષમ ક્લાઇમેટ પ્રોજેક્ટ્સ તૈયાર કરી ભવિષ્યમાં નાણાકીય સંસાધનોના નવા વિકલ્પો ઊભા કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.




