Baroda

વકીલ દંપતી અને જૂનિયર સામે ગેંગરેપ- એટ્રોસિટીનો ગુનો નોંધાયો

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
શિનોરની 26 વર્ષીય યુવતીએ સંખેડા પોલીસ સ્ટેશનમાં એડવોકેટ હિતેશ ગુપ્તા, તેની પત્ની સુભ્રા ગુપ્તા અને જુનિયર સામે ગેંગરેપ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે વડોદરામાં નોકરી દરમિયાન ઓફિસ અને કેનાલ પાસે કારમાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વકીલ દંપતી અને જૂનિયર સામે ગેંગરેપ- એટ્રોસિટીનો ગુનો નોંધાયો

શિનોર ખાતે રહેતી ૨૬ વર્ષની યુવતીએ સંખેડા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં એડવોકેટ હિતેશ ગુપ્તા, તેની પત્ની સુભ્રા ગુપ્તા અને હિતેશ ગુપ્તાના જુનિયર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસે ફરિયાદના આધારે ગેંગરેપ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંઘ્યો છે.

ફરિયાદ મુજબ, એક વર્ષ અગાઉ યુવતી વડોદરામાં રહેતી હતી. તે સમયે ભાડા કરાર માટે દિવાળીપુરા કોર્ટ ખાતે જતી વખતે તેનો સંપર્ક હિતેશ ગુપ્તા સાથે થયો હતો. ત્યારબાદ હિતેશ ગુપ્તા અને તેની પત્ની સુભ્રા ગુપ્તાએ યુવતીને ઓફિસ તથા ઘરના ઘરકામ માટે માસિક રૃ.૧૫ હજારના વેતનથી કામે રાખી હતી.

યુવતીના આક્ષેપ મુજબ, નોકરી દરમિયાન હિતેશ ગુપ્તાએ ઓફિસમાં તેને પોતે બહુ પસંદ કરતો હોવાનું કહી સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ છે કે હિતેશની પત્નીએ યુવતીને સમગ્ર ઘટના અંગે કોઈને જાણ કરશે તો તેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી, જેના કારણે યુવતી ભયભીત બની ગઈ હોવાનું જણાવાયું છે.

વધુમાં ગત તા. ૫ મેના રોજ ગોલાગામડીથી સંખેડા તરફ જતા નર્મદા કેનાલ પાસે હિતેશ અને તેના જુનિયરે કારમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ છે. આ દરમિયાન જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા હોવાનું પણ જણાવાયું છે.

સમગ્ર મામલે સંખેડા પોલીસે હિતેશ ગુપ્તા, તેની પત્ની સુભ્રા ગુપ્તા અને જુનિયર વિરુદ્ધ ગેંગરેપ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એડવોકેટ સામે ખોટા કેસમાં ફસાવવાના આક્ષેપ, વકીલાતના કેસની અદાવતમાં પીછો કરવાની આશંકા

દિવાળીપુરા કોર્ટ પરિસરમાં એડવોકેટનો અન્ય એડવોકેટ અને તેની પત્નીએ પીછો કરી ગેરકાયદે રોકવાનો પ્રયાસ કર્યો હોવાની અરજી અકોટા પોલીસ મથકે નોંધાઈ છે.

અરજીમાં જણાવ્યા મુજબ, એડવોકેટ હિતેશ ગુપ્તા આજે સવારે આશરે ૧૧ઃ૪૫ વાગ્યે વકીલાતના કામ અર્થે દિવાળીપુરા કોર્ટ ખાતે ગયા હતા. આ દરમિયાન એડવોકેટ નિકુંજ વરસાવડા અને તેમની પત્ની સ્મૃતિ વરસાવડા (રહે. શક્તિ કૃપા સોસાયટી, આર.વી. દેસાઈ રોડ)એ કોર્ટ પરિસરમાં હિતેશ ગુપ્તાનો સતત પીછો કર્યો હોવાનો આક્ષેપ છે.

વધુમાં હિતેશ ગુપ્તા કોર્ટની કાર્યવાહી પતાવી પોતાની કાર લઈને કોર્ટની બહાર જઈ રહ્યા હતા ત્યારે એડવોકેટ નિકુંજએ પોતાની મોપેડ કારની આગળ ઊભી રાખી અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી કરી હિતેશ ગુપ્તાને ગેરકાયદે રીતે રોકવાનો પ્રયાસ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ છે.

વધુમાં જણાવ્યા મુજબ, સ્મૃતિ વરસાવડા દ્વારા અગાઉ બાપોદ અને નવાપુરા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદો નોંધાવવામાં આવી છે. આ બંને કેસમાં આરોપી પક્ષ તરફથી એડવોકેટ હિતેશ ગુપ્તા વકીલાત કરી રહ્યા હોવાનું જણાવાયું છે. હાલનો વિવાદ વકીલાત સંબંધિત અદાવતમાંથી ઊભો થયો હોવાની આશંકા છે.

ફરીયાદી હીતેશ ગુપ્તાને બળાત્કારના કેસમાં ફસાવવાની પેરવી કરવામાં આવી રહી છે. તેથી જો તેમની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવે તો નાર્કો ટેસ્ટ, બ્રેઈન મેપિંગ ટેસ્ટ અને લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવ્યા બાદ જ ગુનો નોંધવા અંગે પણ અરજીમાં રજૂઆત કરાઈ છે.