મિત્ર અને તેની પત્નીએ જ આચરી છેતરપિંડી : સોનાના બિસ્કિટ, દાગીના અને રોકડ મળી રૂ.6.90 લાખ હડપ કરી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના બીલ કેનાલ રોડ પર આવેલ 'ધ પ્લેનેટ-1'માં માતા અને પાંચ વર્ષના પુત્ર સાથે રહેતા પૂનમબેન શાહ દંતેશ્વર ખાતે આવેલી બી.એ.એસ.ઇ. નામની સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કંપનીમાં એચ.આર.એડમિન તરીકે નોકરી કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંદાવી જણાવ્યું છે કે, મારે પતિ સ્વપ્નિલ સાથે અણબનાવ થતા હું તા.18-5-2023 થી હું બીલ કેનાલ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં પુત્ર સાથે અલગ રહેવા આવી હતી.
15 વર્ષ જૂના પરિચિત અતુલકુમાર પાટીલ અને તેની પત્ની સપના પાટીલ પરિવારિક તકરારના કારણે મારી સાથે રહેવા આવ્યા હતા. હું નોકરી પર જાઉં ત્યારે મારા નાના પુત્રની સંભાળ રહેશે તેમ વિચારી મેં તેઓને તા.19/05/2023થી મારા ઘરે આશરો આપ્યો હતો. તે દરમિયાન અતુલે સોલાર પેનલનો ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે મારી પાસેથી 24 કેરેટ સોનાના 40 ગ્રામ વજનના 4 બિસ્કિટ (કિંમત રૂ.2,39,648) લીધા હતા.
ત્યારબાદ હું મારા વતન ઉમરેઠ ગઈ ત્યારે ઘરમાં પડેલા સોનાના દાગીના (જેમાં સોનાનો હાર, વીંટીઓ, ડાયમન્ડ પેન્ડન્ટ અને મંગળસૂત્ર મળી કુલ કિંમત રૂ.4,20,845) સાચવવા માટે આ દંપતીને સોંપી ગઈ હતી. પરંતુ વતનથી પરત આવ્યા બાદ અતુલે દાગીના પાછા આપવાના બહાના કાઢયા હતા. બાદમાં મને જાણવા મળ્યું કે તેણે મારો સોનાનો હાર મુથૂટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી દીધો હતો. આ ઉપરાંત ઓનલાઇન ટ્રાન્સફર કરેલા રૂ.30,000 મળી કુલ રૂ.6,90,493ની મત્તા આ બંને પતિ-પત્નીએ મારી પાસેથી હડપ કરી લીધી હતી. અવારનવાર રકમ અને દાગીના પરત માંગવા છતાં તા.28/08/2023ના રોજ તેઓ ઔરંગાબાદ જવાનું કહીને ભાગી ગયા હતા.




