યુનિ.ના પૂર્વ વીસીનું વોટસએપ એકાઉન્ટ હેક, દીકરાના લગ્નનું બોગસ આમંત્રણ મોકલાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રોફેસર ધનેશ પટેલનું વોટસએપ એકાઉન્ટ હેક થયું હતું.જેના કારણે અધ્યાપક આલમમાં ખળભળાટ મચી ગયો હતો.
મળતી જાણકારી પ્રમાણે પ્રો.પટેલના વોટસએપ એકાઉન્ટ પરથી અન્ય અધ્યાપકો, પરિચિતોને તેમના પુત્રનું લગ્ન હોવાથી આમંત્રણ આપતો બોગસ સંદેશો અને સાથે કંકોત્રીના નામે એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી.
તાજેતરમાં જ આ રીતે લગ્નની કંકોત્રીના નામે એપીકે ફાઈલ મોકલીને લોકોની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા છે. પરિચિતના વોટસએપ પરથી કંકોત્રી આવી હોવાનું માનીને એપીકે ફાઈલ ખોલનારા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ ગયા હતા.
પ્રો.પટેલના વોટસએપ એકાઉન્ટ પરથી ગયેલા આમંત્રણને જોઈને આર્ટસ ફેકલ્ટીના એક પ્રોફેસર હિતેશ રાવિયા ચોંકી ગયા હતા.તેમણે અન્ય અધ્યાપકોનું પણ ધ્યાન દોર્યું હતું અને આ ફાઈલ નહીં ખોલવા માટે કહ્યું હતું.બાદમાં પરિચિતો દ્વારા પ્રો.પટેલનો સંપર્ક સાધવામાં આવતા તેમણે પણ એકાઉન્ટ હેક થયું હોવાનું કહ્યું હતું. ત્યાં સુધી તેમને પણ આ પ્રકારે આમંત્રણ મોકલાયું હોવાની જાણકારી નહોતી.
કુરિયર કંપનીના નામના મેસેજ મોકલીને અધ્યાપકોને ઠગવાનો પ્રયાસ થયો હતો
તાજેતરમાં આર્ટસ ફેકલ્ટીના અધ્યાપકોને કુરિયર કંપનીના નામે બોગસ મેસેજ મોકલીને ઠગવાનો પ્રયાસ થયો હતો.મળતી જાણકારી પ્રમાણે આર્ટસના સંખ્યાબંધ અધ્યાપકોને એક લિન્ક સાથે મેસેજ મોકલવામાં આવ્યા હતા કે, તમારા નામનું પાર્સલ આવ્યું છે પણ તમે ઓફિસમાં નહીંં હોવાથી ડિલિવર થઈ શક્યું નથી તો તમે જ્યાં રહેતા હોય ત્યાંનું સરનામું મોકલવા માટે લિન્ક પર ક્લિક કરો.જોકે તે વખતે પણ કોઈને શંકા જતા અન્ય અધ્યાપકોને ફેકલ્ટી ડીને ચેતવણી આપી હતી અને અધ્યાપકો સાથે ઠગાઈ થતા રહી ગઈ હતી.




