બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂકના એક જ મહિનામાં પૂર્વ સિન્ડિકેટ સભ્યનું રાજીનામુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્ય સરકારનો કોમન એકટ લાગુ થયા બાદ એમ.એસ.યુનિવર્સિટીમાં સેનેટની જગ્યાએ અસ્તિત્વમાં આવેલા બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં તાજેતરમાં જ નવા સભ્યોની નિમણૂકો કરવામાં આવી હતી.જેમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય જિગર ઈનામદારનો પણ સમાવેશ થતો હતો.જોકે નિમણૂકના એકાદ મહિનામાં જ તેમણે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી રાજીનામુ આપી દીધું હોવાથી શૈક્ષણિક આલમમાં હલચલ મચી ગઈ છે.
અધ્યાપક આલમમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર જિગર ઈનામદારની નિમણૂક ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન ડો.શુભાંગિનીદેવી ગાયકવાડે કરી હતી.તેની સામે આરએસએસ અને રાજ્ય સરકારની નારાજગી સામે આવી હતી.તેમની નિમણૂક રદ કરાવવા યુનિવર્સિટીના અધ્યાપકોનું તથા શહેરનું ભાજપનું એક જૂથ પણ સક્રિય થયું હતું.
એવું કહેવાઈ રહ્યું છે કે, અગાઉ યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટના સર્વેસર્વા જિગર ઈનામદારે રાજીનામુ ના આપવું પડે તે માટે લોબિંગ કર્યું હતું પણ તેમાં સફળતા મળી નહોતી.બીજી તરફ જિગર ઈનામદારની નિકટના વર્તુળોનું કહેવું છે કે, બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્ય તરીકે રહેવાની જિગર ઈનામદારની પહેલેથી જ ઈચ્છા નહોતી અને વિવાદ શરુ થયા બાદ તેમણે જાતે જ ચાન્સેલરને રાજીનામુ મોકલી આપ્યું છે.
જિગર ઈનામદારે આ બાબતે કોઈ કોમન્ટ કરવાની ના પાડી હતી તો બીજી તરફ ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, જિગર ઈનામદારે ચાન્સેલરને રાજીનામુ આપ્યું કે નહીં તે મને ખબર નથી.ચાન્સેલર વિદેશ ગયા છે અને ૧૬ સપ્ટેમ્બરે પાછા આવશે પછી સ્થિતિ સ્ષ્ટ થશે.
વીસીને ગાંધીનગરનું તેડું આવ્યું હતું
એવું કહેવાઈ રહ્યું છે કે, બોર્ડ ઓફ મેનેજમેન્ટના નિમણૂકના વિવાદ બાદ વાઈસ ચાન્સેલરને પણ સરકારનું તેડું આવ્યું હતું.વાઈસ ચાન્સેલરને ગાંધીનગર ખાતે બોલાવીને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.આ નિમણૂક કેવી રીતે થઈ તેનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો હતો.સરકારે એવું પણ કહ્યું હતું કે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં થયેલી નિમણૂકો અંગે અમારી પૂર્વ મંજૂરી કેમ લીધી નહોતી?




