Baroda

વડોદરા પાસે કડધરા ગામે દેવનદીમાં નાહતા આધેડને મગર તાણી જતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

By GS Team
20 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક ડભોઇ તાલુકાના કડધરા ગામે દેવ નદીમાં નહાવા ગયેલા એક આધેડને મગર ખેંચી ગયો હોવાની ૧૧૨ પર જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આજે બોટ અને બિલાડી વડે 5 કિમી વિસ્તારમાં શોધખોળ કરી, પરંતુ મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. નદીમાં 8-10 મગર હોવાથી સાવચેતી રખાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાસે કડધરા ગામે દેવનદીમાં નાહતા આધેડને મગર તાણી જતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

વડોદરા નજીક ડભોઇ તાલુકામાં દેવ નદીમાં નાહવા ગયેલા એક આધેડને મગર ખેંચી ગયો હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી,પરંતુ મોડી સાંજ સુધી કોઇ પત્તો મળ્યો નથી.
કડધરા ગામેથી પસાર થતી દેવ નદીમાં ગઇકાલે સાંજે એક આધેડ ડુબ્યા હોવાનો બનાવ ચર્ચામાં આવતાં ગામમાં રહેતા રાજુ દિનેશ ભાઇ રાયે ઉપરોક્ત બનાવ અંગે ૧૧૨ ઉપર ફોન કરીને મદદ માગી હતી.જેથી ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આજે નદીમાં બોટ ઉતારી તેમજ બિલાડી નાખીને શોધખોળ કરવામાં આવી હતી.
બનાવની પ્રાથમિક વિગતો મુજબ,આધેડ વયના ગ્રામજન નાહવા ગયા ત્યારે તેઓ નદીમાં ગૂમ થયા હોવાનું જણાઇ આવ્યું છે. નદીમાં આઠથી દસ મગરો હોવાને કારણે ફાયર બ્રિગેડ દ્વારા સાવચેતી રાખીને કામગીરી કરવામાં આવી હતી.પાંચ કિમી વિસ્તારમાં શોધખોળ કર્યા પછી પણ કોઇ સગડ નહિ મળતાં ફાયર બ્રિગેડની ટીમ પરત ફરી હતી.
ઉપરોક્ત બનાવને નજરે જોનાર કોઇ વ્યક્તિ મળી નથી અને બનાવના સ્થળે ફોરેસ્ટ વિભાગની ટીમ કે પોલીસ પણ નહિ દેખાતાં તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.