તિબેટીયન માર્કેટ પાસે કાર ચાલક સાથે બોલાચાલી બાદ મારામારી : ઇજાગ્રસ્ત યુવક દોડતી કાર પાછળ લટક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ફ્રિજ રિપેરિંગનું કામ કરતા 27 વર્ષીય રિષભ વિપુલ ઠાકરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં તે મોપેડ લઈને તિબેટીયન માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક કાર ધીમી થતાં તે કારની સાઈડમાંથી મોપેડ પસાર કરવા જતાં કારચાલકે તેને ગાળો આપી ‘તું જોઈને ગાડી ચલાવ’ તેમ કહ્યું હતું. બાદમાં કારચાલકે બદામડી બાગ તરફના માર્ગ પર કાર ઉભી રાખી હતી.
કારમાં સવાર અન્ય ત્રણ ઇસમોએ રિષભ સાથે ગાળાગાળી કરી તેને માર માર્યો હતો. તે પૈકીના એક ઇસમે પટ્ટા વડે પણ માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મારામારી બાદ કારમાં સવાર ચારેય ઇસમો ત્યાંથી નાસી છૂટવા કાર હંકારી ગયા હતા.
રિષભે કારને રોકવા માટે પાછળના ભાગે લટકી જતાં નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે લોકોએ કારને રોકાવી હતી. દરમિયાન કારમાં સવાર ત્રણ ઇસમો નાસી છૂટ્યા હતા, જ્યારે કારચાલક મોહિબખાન પઠાણને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. ઇજાગ્રસ્ત રિષભને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે મોહિબખાન પઠાણની ધરપકડ કરી છે અને ફરાર ત્રણ ઇસમોની શોધખોળ હાથ ધરી છે.




