મહિલા કોન્સ્ટેબલે ઇન્સ્ટા પર મિત્રતા કરી બાગમાં બોલાવી આરોપીને પકડયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મીયાગામ ખાતે પાંજરાપોળમાંથી મુંગા પશુઓની ચોરીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવા જિલ્લા પોલીસની એક મહિલા કોન્સ્ટેબલે ચોર સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી મિત્રતા બાંધી તેને ડીસા ખાતેના ગાર્ડનમાં બોલાવી આખરે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મીયાગામ ખાતેની પાંજરાપોળમાંથી રૃા.૧.૨૦ લાખ કિંમતની ત્રણ ભેંસોની ચોરી થઇ હતી. આ બનાવની ફરિયાદ મે માસમાં કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. તપાસ દરમિયાન મુંગા પશુઓની ઉઠાંતરી કરનાર રીઢા આરોપી હિરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર (રહે.ઠાકોરવાસ, તા.લાખણી, જિલ્લો વાવ-થરાદ)નું નામ ખૂલ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડવા અનેક વખત તેના આશ્રયસ્થાનો પર તપાસ કરી છતા તે ઝડપાતો ન હતો.
દરમિયાન જિલ્લા પોલીસમાં પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવતી હેડ કોન્સ્ટેબલ પંપાબેન વેલાભાઇએ હિરાજી ઠાકોરનો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કર્યો હતો અને તેની સાથે સતત સાત દિવસ સુધી ચેટ કરી હતી. હિરાજીને ઇન્સ્ટા મિત્ર પોલીસ કોન્સ્ટેબલ છે તેની ખબર ન હતી જેથી તે સતત સંપર્કમાં રહેતો હતો. દરમિયાન કોન્સ્ટેબલે હિરાજીને મળવા માટેનું કહેતા તે તૈયાર થઇ ગયો હતો.
ડીસા ખાતેના સાંઇબાબા મંદિર, સરદાર વલ્લભભાઇ પટેલ બાગમાં મળવાનું નક્કી થતાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ડીસા ગાર્ડનમાં પહોંચી ગઇ હતી અને મહિલા કોન્સ્ટેબલને એકલી છોડી સ્ટાફના માણસો બાદમાં આજુબાજુ ગોઠવાઇ ગયા હતાં. નક્કી થયેલા સમય પ્રમાણે હિરાજી ઠાકોર આવીને કોન્સ્ટેબલને રૃબરૃ મળતાં જ તેને ઝડપી લેવાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેની સામે લૂંટ, ચોરી સહિતના ગંભીર ગુનાઓ ડીસા, મહેસાણા સહિત અન્ય સ્થળોએ નોંધાયા છે.




