ગણતરીના કલાકો બાકી હોવા છતાં વડોદરામાં દશામાના વિસર્જન માટે કૃત્રિમ તળાવોની અધૂરી તૈયારી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : દશામાની પ્રતિમાઓના વિસર્જનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવોની અધૂરી તૈયારી સામે સવાલો ઊભા થયા છે. શહેરમાં તરસાલી, મકરપુરા, માંજલપુર, લેપ્રસી મેદાન, કિશનવાડી, હરણી, બિલ, ભાયલી અને દશામાં તળાવ સહિત કુલ 9 સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, અનેક સ્થળોએ હજુ સુધી જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી નથી.
હરણી અને ભાયલી ખાતેના કૃત્રિમ તળાવમાં પાણીની વ્યવસ્થા પણ હજુ સુધી કરવામાં આવી ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ કેટલાક તળાવ આસપાસ ગંદકી જોવા મળે છે. આવી સ્થિતિમાં પ્રતિમા વિસર્જન માટે ભક્તો કયા સ્થળે જાય અને ત્યાં કેવી વ્યવસ્થા હશે તે અંગે મૂંઝવણમાં છે.
આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તમામ કૃત્રિમ તળાવોમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવાની માગ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ ઝોનમાં ત્રણ અને પશ્ચિમ ઝોનમાં બે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, પૂર્વ અને ઉત્તર વિસ્તારના ભક્તોને વિસર્જન સ્થળ સુધી પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સુભાનપુરા, ટીપી-13 અને ઇલોરા પાર્ક વિસ્તારના રહીશોને દશામાં તળાવ સુધી જવું પડશે. ગોત્રી વિસ્તારના રહીશોને ભાયલી અથવા ગોરવા તરફ જવાની ફરજ પડી શકે છે. જ્યારે છાણી, સમા અને નિઝામપુરા વિસ્તારના ભક્તોને હરણી કૃત્રિમ તળાવ સુધી જવું પડશે. વાઘોડિયા રોડ અને આસપાસના વિસ્તારના રહીશોને કિશનવાડી અથવા લેપ્રસી મેદાન ખાતે વિસર્જન માટે જવું પડશે.
પરિણામે પ્રતિમા લઈને જતા ભક્તોને લાંબું અંતર કાપવું પડશે તેમજ વિસર્જનના દિવસે વાહનવ્યવહાર અને ભીડની સમસ્યા સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
‘છેલ્લી ઘડીએ ખર્ચ કરવાને બદલે આગોતરું આયોજન જરૂરી’
આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અંતિમ ઘડીએ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી મોટા ખર્ચના બિલો મંજૂર કરવાની ચર્ચા ચાલી રહી છે. જો કૃત્રિમ તળાવ અને તેની આસપાસની સુવિધાઓનું આયોજન અગાઉથી કરવામાં આવ્યું હોત તો વધારાનો ખર્ચ ટાળી શકાયો હોત અને ભક્તોને પણ યોગ્ય સુવિધા મળી શકી હોત.
આથી તમામ નવ કૃત્રિમ તળાવોની તાત્કાલિક સ્થળ તપાસ કરી પાણી, સફાઈ, લાઇટિંગ, બેરિકેડિંગ, સુરક્ષા, પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉભી કરવા માંગ કરવામાં આવી છે.
વિસર્જન સ્થળો અંગે તાત્કાલિક પરિપત્ર જાહેર કરવાની માગ
ભક્તોને કયા વિસ્તારની પ્રતિમા કયા કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવાની રહેશે તેની સ્પષ્ટ માર્ગદર્શિકા તાત્કાલિક જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. સાથે જ વિસર્જન સ્થળોએ ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાનું આગોતરું આયોજન કરવા તેમજ ઉત્તર અને પૂર્વ વિસ્તારના ભક્તોને લાંબું અંતર કાપવું ન પડે તે માટે વધારાના યોગ્ય સ્થળોએ કૃત્રિમ તળાવ ઉભા કરવા વિચારણા કરવા રજૂઆત કરાઈ છે.









