બેડમિન્ટન રેકેટની ક્ષમતા વધારતું ઈકો ફ્રેન્ડલી મટિરિયલ વિકસાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ બેડમિન્ટનના રેકેટની ગ્રિપ માટે ઈકોફ્રેન્ડલી મટિરિયલ વિકસાવ્યું છે.જેનાથી રેકેટની ક્ષમતા પણ વધે છે.
સંશોધકોની ટીમમાં વિદ્યાર્થી મીત ત્રિવેદી, વિવેક ગાવિત તથા મેન્ટર તરીકે બે અધ્યાપકો સ્વિટી અગ્રવાલ અને જિનલ રોહિતનો સમાવેશ થાય છે.આ ટીમે મુંબઈ નજીક થાણેના વૂલ રિસર્ચ એસોસિએશન દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટસટેક હેકેથોનમાં ભાગ લીધો હતો અને આ મટિરિયલ બનાવવા બદલ ટીમને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી.
ટીમના મેન્ટર ડો.અગ્રવાલનું કહેવું છે કે, પરંપરાગત રીતે બેડમિન્ટન રેકેટની ગ્રિપ માટે પોલીયુરેથિનનો ઉપયોગ થાય છે.જે એક પેટ્રોકેમિકલ પ્રોડકટ છે.તેની જગ્યાએ અમે હેમ્પ નોનવુવન નેચરલ ફાઈબર તથા પ્લાસ્ટિકની બોટલો રિસાયકલ કરીને મેળવેલે પોલીથિલિન ટેરેફથાલેટનો ઉપયોગ કરીને મલ્ટીલેયર ટેકસ્ટાઈલ ફેબ્રિક બનાવ્યું છે.જેનો ઉપયોગ રેકેટની ગ્રિપ માટે કર્યો છે અને તેનાથી રેકેટની ક્ષમતામાં પણ વધારો થયો છે અને ખેલાડીને પણ તેનો ફાયદો મળે છે.સંશોધકોની ટીમે હવે આ મટિરિયલ માટે પેટન્ટ લેવાની કવાયત પણ હાથ ધરી છે.તેમનું કહેવું છે કે, આ સંશોધનથી સ્પોર્ટલ ટેકનોલોજીના મટિરિયલ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે પણ ઘણી તકો રહેલી છે તેવું પૂરવાર થયું છે.
નવતર મટિરિયલના ફાયદા
--બેડમિન્ટન રેકેટની ગ્રિપ વધારે અસરકારક બને છે
--કુશનિંગ હોવાથી બેડમિન્ટન પ્લેયર માટે રેકેટ પકડવું સરળ
--લાંબા સમય સુધી રેકેટ પકડયા પછી પણ હાથ દુખતો નથી
--પરસેવાને વધારે સારી રીતે શોષી લે છે.
--પરંપરાગત મટિરિયલ કરતા વધારે ટકાઉ




