Baroda

કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોમાં અસંતોષ: પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હડતાળ

By GS Team
12 Oct 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આક્રમક બન્યા છે. 12 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે સિટી ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને અંતિમ આવેદનપત્ર અપાશે. પાણી, ગટર, રસ્તા સહિતના 17 મુદ્દે રજૂઆત કરાશે. પ્રશ્નો ન ઉકેલાય તો હડતાળની ચીમકી ઉચ્ચારાઈ છે, જેનાથી વિકાસકાર્યો અટકી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોમાં અસંતોષ: પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો  હડતાળ

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિકાસનાં કામો કરતા કોન્ટ્રાક્ટરોમાં પડતર પ્રશ્નોને લઈને અસંતોષ વધી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં વડોદરા સિટી ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન દ્વારા આજે, 12 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને અંતિમ વખત આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે. પાણી, ગટર, રસ્તા, વરસાદી ગટર અને બ્રિજ સહિતનાં વિવિધ કામો સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો આ રજૂઆતમાં જોડાશે. તેમ છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવે તેવી શક્યતા છે. જો કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરે તો શહેરમાં વિકાસનાં કામો ઉપરાંત નવા કામોની કામગીરી અને ચાલુ કામોની ગતિ પર પણ અસર થવાની ભીતિ છે.

ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશનના નેજા હેઠળ વડોદરા સિટી ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન દ્વારા અગાઉ 20 સપ્ટેમ્બરે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટરોને નડતા અલગ અલગ 17 પ્રશ્નોનો ઉકેલ લાવવા માગ કરવામાં આવી હતી. જોકે, એસોસિયેશનના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. પરિણામે હવે કોન્ટ્રાક્ટરોએ અંતિમ રજૂઆત કરીને આગળની લડત અંગે નિર્ણય લેવાની તૈયારી દર્શાવી છે.
કોન્ટ્રાક્ટરોની મુખ્ય માગણીઓમાં મેન્ટેનન્સ ગેરંટીના સમયગાળાની શરતોમાં ફેરફાર, કોવિડ સમયગાળાના ભાવવધારાના બાકી નાણાંની ચૂકવણી અને સિક્યુરિટી ડિપોઝિટ તથા રિટેન્શન મનીની રકમ છૂટી કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.

એસોસિયેશનના જણાવ્યા મુજબ, સરકારના નિયમ પ્રમાણે રોડ રિસરફેસિંગ માટે એક વર્ષ અને મજબૂતીકરણ તથા પહોળાઈ વધારવાના કામ માટે ચાર વર્ષનો મેન્ટેનન્સ ગેરંટી સમયગાળો છે. તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ કામો માટે પાંચ વર્ષની સમાન શરત લાગુ કરવામાં આવતી હોવાની રજૂઆત કરીને તેમાં સુધારો કરવાની માગ કરવામાં આવી છે.

આ ઉપરાંત, સભા દ્વારા મંજૂર કરવામાં આવેલા કોવિડ સમયગાળાના ભાવવધારાના બાકી નાણાં તાત્કાલિક ચૂકવવા માગ કરવામાં આવી છે. ટેન્ડરમાં પાંચ ટકા સિક્યુરિટી ડિપોઝિટ અને પાંચ ટકા રિટેન્શન મની મળીને કુલ 10 ટકા રકમ છૂટી કરવાની જોગવાઈ કરવાની પણ માગ છે. 10 ફૂટ કે તેથી વધુ ઊંડી ખાઈ હોય તેવા સ્થળે ચોમાસા દરમિયાન જમીનનું કુદરતી બેસાણ થયા બાદ જ રસ્તા પર ડામરનું પડ ચઢાવવામાં આવે તેવી જોગવાઈ કરવાની રજૂઆત કરાઈ છે, જેથી રસ્તા વારંવાર બેસી જવા અને તૂટી જવાની સમસ્યા ટાળી શકાય.

ઝોન કક્ષાએ બિલ મંજૂર કરવાની નાણાકીય સત્તાની મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવાની માગ પણ કોન્ટ્રાક્ટરોએ કરી છે. જીએસટીનો દર 12 ટકાથી વધીને 18 ટકા થયો હોવાથી બાકી નીકળતા છ ટકાના તફાવતની રકમની નિયમિત ચૂકવણી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

કોન્ટ્રાક્ટરોના જણાવ્યા મુજબ, ટેન્ડરની શરતો, બાકી નાણાંની ચૂકવણી અને વહીવટી પ્રક્રિયાને લગતા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નોનો સમયસર ઉકેલ નહીં આવે તો કોન્ટ્રાક્ટરો માટે કામકાજ ચાલુ રાખવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આજે મ્યુનિસિપલ કમિશનરને અંતિમ આવેદનપત્ર આપ્યા બાદ તંત્ર કેવો નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.