Baroda

ગુજસીટોકમાં લાલુસિંધી ગેંગના આરોપીના જામીન અદાલતે ફગાવ્યા

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
લાલુસિંધી ગેંગના ગુજસીટોકના ગુનામાં હિમાંશુ ઉર્ફે ભોલો અગ્રવાલની જામીન અરજી સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે ફગાવી દીધી છે. લાલુસિંધીએ અન્ય આરોપીઓ સાથે મળી ૧૦૬ ગંભીર ગુના આચર્યા છે. સંગઠનને આર્થિક મદદ માટે વિદેશી દારૂની હેરાફેરી કરી ગુના કર્યા હતા. હિમાંશુ દારૂનો જથ્થો ખાલી કરવાનું કામ કરતો હતો. કોર્ટે નોંધ્યું કે આરોપીએ ગુનાહિત ઇતિહાસ છુપાવ્યો છે, જેથી જામીન મંજૂર ન થઈ શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજસીટોકમાં લાલુસિંધી ગેંગના આરોપીના જામીન અદાલતે ફગાવ્યા

લાલુસિંધી ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપ અગ્રવાલ (રહે.ઈન્દ્રપ્રસ્થ ટેનામેન્ટ,સહયોગ સોસાયટી પાછળ, ગોરવા)ની રેગ્યુલર જામીન અરજી અત્રેની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે ફગાવી દીધી છે.

ફરિયાદ મુજબ, આ ગુનામાં મુખ્ય આરોપી લાલચંદ ઉર્ફે લાલુસિંધી હેમંતદાસ ખાનાણીએ અન્ય આરોપીઓ સાથે મળી લાલુસિંધી ગેંગ નામથી આપરાધિક સંગઠન બનાવી ગુનાઓ આચર્યા છે. ગંભીર પ્રકારના ૧૦૬ ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઊભું કરાયું છે. સંગઠન ચલાવવા આર્થિક મદદ માટે વિદેશી દારૃની હેરાફેરી તેમજ વેચાણ કરી ગુનાઓ આચર્યા છે. તમામ ૧૨ આરોપીઓ સામે ગુજસીટોકની જોગવાઈ મુજબ ૮૧ ગુનાઓ દાખલ થયા છે.

તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું કે આ સંગઠનના અન્ય આરોપી મનોજ ઉર્ફે પાપડે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે હિમાંશુ અગ્રવાલ મારી સૂચના મુજબ દારૃનો જથ્થો ભરેલી ગાડીઓ ખાલી કરવાનું કામ કરે છે. આરોપીએ મિલકત ખરીદવા કઈ રીતે રૃપિયાની સગવડ કરી છે તેની તપાસ ચાલુ છે.

સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર રઘુવીર પંડયાની દલીલો હતી કે અરજદાર/આરોપીનો ગુનામાં સક્રિય રોલ છે. ગુના કરતા શખ્સોની તરફેણમાં ડીસ્ક્રીએશન વાપરવું જોઈએ નહીં અને જામીન અરજી નામંજૂર કરવી જોઈએ.

કોર્ટે નોંધ્યું કે આરોપી સામે પાંચ ગુના તથા બે વખત પાસામાં સંડોવાયેલાની વિગત સોગંદ ઉપર તપાસ અધિકારીએ જણાવી છે તે હકીકત જામીન અરજીમાં નથી. આરોપી તેનો અગાઉનો ગુનાહીત ઈતિહાસ છુપાવે તો તે બેઈલ રીજેક્ટનું કારણ બની શકે છે, જેથી હાલની જામીન અરજી મંજૂર કરવા પાત્ર નથી.