Baroda

અનામત જાતિની મહિલા બિન અનામત વર્ગના યુવકને પરણે તો પણ તેની જાતિ ન બદલાય, મહિલા સામેની એટ્રોસિટીની ફરિયાદ કોર્ટે રદ કરી

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટી કેસમાં મહિલા આરોપીને રાહત મળી છે. જન્મથી અનુસૂચિત જાતિની મહિલાના બિન-અનુસૂચિત જાતિના પુરુષ સાથેના લગ્નને કારણે અદાલતે મહિલા સામેનો એટ્રોસિટીનો ગુનો રદ કર્યો છે. હવે મહિલા સામે માત્ર BNSની કલમ હેઠળ ટ્રાયલ ચાલશે. ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે આંતરજ્ઞાતીય લગ્નથી મૂળ જાતિ બદલાતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અનામત જાતિની મહિલા બિન અનામત વર્ગના યુવકને પરણે તો પણ તેની જાતિ ન બદલાય, મહિલા સામેની એટ્રોસિટીની ફરિયાદ કોર્ટે રદ કરી

Vadodara News : અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટીના એક ગુનામાં મહિલા આરોપીએ તેનો જન્મ અનુસૂચિત જાતિમાં થયો છે અને તેણે લગ્ન બિન અનુસૂચિત જાતીના યુવક સાથે કર્યા છે એટલે તેની સામેનો એટ્રોસિટીનો ગુનો રદ કરવો જોઇએ તેવી દાદ માગી ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. અદાલતે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાને લઇ મહિલા સામેનો એટ્રોસિટીનો ગુનો રદ કરી મહિલા સામે માત્ર બીએનએસની કલમ હેઠળ ટ્રાયલ ચલાવવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, અટલાદરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે પડોશમાં રહેતા દંપતી  અને તેના પુત્ર સામે  એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પૌત્ર અને પૌત્રી ઘર પાસે દંડાથી રમતા હતા ત્યારે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આરોપીઓએ પૌત્રી સાથે ઝઘડો કરી જાતિ વિષયક અપમાનજનક શબ્દો વાપરી મારમારી કરી હતી. પોલીસે આ બનાવ અંગે એટ્રોસિટી તેમજ બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.  

દરમિયાનમાં આ ગુનાના મહિલા આરોપીએ અત્રેની કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે,   આરોપી મહિલા જન્મથી અનુસૂચિત જાતિની (એસસી) છે અને તેના લગ્ન બિન-અનુસૂચિત જાતિના(બિન-એસ.સી.-એસ.ટી) પુરૃષ સાથે   થયા છે, જેથી કાયદાકીય જોગવાઈ મુજબ તેમના પર એટ્રોસિટી એક્ટ લાગુ થઈ શકે નહી. આ કેસમાં સરકારી વકીલે અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, પ્રાથમિક દ્રષ્ટિએ પૂરતા પુરાવાઓ ઉપલબ્ધ છે.

અદાલતે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇ કેસનું  ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું હતું. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા જાતિના પ્રમાણપત્ર મુજબ આરોપી મહિલા જન્મથી અનુસૂચિત જાતિ  સાથે સંબંધ ધરાવે છે.કોઈ મહિલાનો જન્મ અનુસૂચિત જાતિમાં થયો હોય તો તે બિન-અનુસૂચિત જાતિના પુરુષ સાથે લગ્ન કરવા માત્રથી પોતાની મૂળ જાતિ ગુમાવી દેતી નથી. જાતિ હંમેશા જન્મથી જ નક્કી થાય છે અને આંતરજ્ઞાાતીય લગ્નોથી વ્યક્તિની મૂળ જાતિની ઓળખ બદલાતી નથી. ન્યાયાધીશે આરોપી મહિલા સામેનો એટ્રોસિટી એક્ટ હેઠળનો કેસ રદ કરીને તેમને તે ગુનામાંથી ડિસ્ચાર્જ (મુક્ત) કરી અન્ય  કલમ  હેઠળ ટ્રાયલ ચલાવવાનો આદેશ કર્યો હતો.

મહિલા સામે બીએનએસની કલમ મુજબ ટ્રાયલ ચાલશે

અટલાદરા પોલીસ સ્ટેશનામાં જે ગુનો નોંધાયો હતો તેમાં એટ્રોસિટી ઉપરાંત બીએનએસની કલમ ૧૧૫(૨)(ઇજા પહોંચાડી), ૨૯૬(બ)(જાહેરમાં ઝઘડો કરી અશાંતિ ફેલાવવાની)  અને ૫૪(મદદગારી કરવી)  પણ દાખલ કરવામાં આવી હતી. ન્યાયાધીશે મહિલા સામે એટ્રોસિટીની કલમનો ગુનો રદ કર્યો હતો અને  બીએનએસની કલમ હેઠળ મહિલા સામે ટ્રાયલ ચલાવવાનો આદેશ કર્યો હતો.આ કેસમાં હવે એટ્રોસિટીની કલમ વગર માત્ર સામાન્ય મારામારી અને ઝઘડાના પુરાવાઓ અને સાક્ષીઓની ચકાસણીના આધારે આગળની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.