વિકાસ અને પર્યાવરણ વચ્ચે કોર્પોરેશનની કસોટી: 130 વર્ષ જૂના વૃક્ષને બચાવ્યું, પણ નવા બ્રિજ પાસે માર્ગ સાંકડો બન્યો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: કમાટી બાગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી કલ્યાણનગર તરફ જતા માર્ગ પર બાલ ભવન સોસાયટી પાસે વિશ્વામિત્રી નદી પર વર્ષો જૂનો બ્રિજ આવેલો છે. સમય જતાં આ માર્ગ પર વાહનોની અવરજવર વધતાં જૂના બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂના બ્રિજની બાજુમાં નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેની બાજુમાં આવેલા આશરે 130 વર્ષ જૂના આમલીના વૃક્ષને યથાવત રાખવાના નિર્ણયને કારણે હવે માર્ગની પહોળાઈ અને વાહનચાલકોની સલામતીનો મુદ્દો સામે આવ્યો છે.
બ્રિજનું બાંધકામ પૂર્ણ થવાના તબક્કામાં હતું ત્યારે આ હેરિટેજ વૃક્ષને કાપવાની શક્યતાને લઈને વિવાદ સર્જાયો હતો. પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષ કાપવાના નિર્ણયનો વિરોધ કરીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અને વૃક્ષને બચાવવા તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. પર્યાવરણવિદોના જણાવ્યા મુજબ, બ્રિજથી આશરે આઠ મીટરના અંતરે આવેલું આ વૃક્ષ માર્ગ કે ટ્રાફિકની અવરજવરમાં અડચણરૂપ નહોતું.
આમલીનું વૃક્ષ આશરે 130 વર્ષ જૂનું હોવાનું અને તેના થડનો વ્યાસ લગભગ 370 સેન્ટીમીટર હોવાનું જણાવાયું હતું. પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષને હેરિટેજ શ્રેણીમાં ગણાવી તેનું સંરક્ષણ કરવાની માગ સાથે વિકાસકાર્ય અને પર્યાવરણના જતન વચ્ચે સંતુલન જાળવવા અપીલ કરી હતી.
આખરે કોર્પોરેશન દ્વારા વૃક્ષ કાપવાનું ટાળવામાં આવ્યું છે અને તેની આસપાસથી માર્ગ બનાવવામાં આવ્યો છે. જોકે, વૃક્ષને યથાવત રાખતાં માર્ગનો એક ભાગ સાંકડો થઈ ગયો છે. પરિણામે આ સ્થળેથી પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે. માર્ગની વાસ્તવિક પહોળાઈ, વાહનોની અવરજવર અને સ્થળ પરની વ્યવસ્થાના આધારે અકસ્માતનું જોખમ પણ ચકાસવું જરૂરી બન્યું છે.
એક તરફ વિકાસકાર્યમાં વર્ષો જૂના વૃક્ષનું નિકંદન અટકાવી પર્યાવરણનું જતન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ માર્ગની પહોળાઈ અને વાહનચાલકોની સુવિધા અંગે સવાલો ઊભા થયા છે. હવે આ સ્થળે વાહનવ્યવહાર સલામત અને સરળ રહે તે માટે કોર્પોરેશન કેવા પગલાં લે છે તે જોવાનું રહેશે. વૃક્ષ બચાવવું અને નાગરિકોની સલામતી જાળવવી—બંને બાબતો વચ્ચે યોગ્ય સંતુલન સાધવું કોર્પોરેશન માટે પડકારરૂપ બન્યું છે.




