18મીએ કોર્પોરેશનની સભા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને જમીન ભેટ આપવા અંગે અંતિમ નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આગામી 18 નવેમ્બર, બુધવારે સાંજે 5 વાગ્યે મળશે. સભામાં વીજીએલની કામગીરી અને આવક અંગે વિપક્ષ દ્વારા પૂછાયેલા સવાલો ઉપરાંત સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને તાંદલજામાં જમીન ફાળવવાના વિવાદાસ્પદ નિર્ણયને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાકી ભાડા અને કોન્ટ્રાક્ટરોને જીએસટીના વધારાના ભારણ સામે રાહત આપવાના મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.
વોર્ડ નંબર એકમાંથી કોંગ્રેસનાં મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ વીજીએલ અંગે અનેક સવાલો ઉઠાવી જવાબ માંગ્યો છે. જેમાં કોર્પોરેશનની વીજીએલમાં કેટલી શેર કેપિટલ છે, તેના થકી કેટલી આવક થાય છે અને કંપનીની બેલેન્સ શીટ સામાન્ય સભામાં કેમ રજૂ કરવામાં આવતી નથી તેવા સવાલો સામેલ છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ બહાર પાઇપલાઇન ગેસ પહોંચાડવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી છે કે કેમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ કનેક્શન આપીને કેટલી આવક મેળવવામાં આવી છે તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.
બીજી તરફ તાંદલજા ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 ખાતે આવેલી રહેણાંક હેતુની 978 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને ફાળવવાની દરખાસ્ત સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ થશે. રાજ્ય સરકારના ઠરાવ મુજબ 500 ચોરસ મીટર જમીન ભેટ સ્વરૂપે અને બાકીની 478 ચોરસ મીટર જમીન વુડાની વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી કરાયેલા મૂલ્યાંકનના 55 ટકા દરે એટલે કે 45 ટકા રાહત સાથે ફાળવવાની જોગવાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ આ દરખાસ્તને અગાઉ મંજૂરી આપી ચૂકી છે.
જોકે, અગાઉ આ જમીન પર ગેરકાયદે દબાણ થયું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાના આક્ષેપો વચ્ચે હવે જમીન ભેટ અને રાહતના દરે ફાળવવાના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે. વિપક્ષે પણ આ મુદ્દે સત્તાપક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તાંદલજા ટીપી-22ના સહકારનગર ખાતે પીપીપી ધોરણે અમલમાં મૂકાયેલી આવાસ યોજનાના 1428 લાભાર્થીઓને દર મહિને રૂ. 2 હજાર ભાડું ચૂકવવાનું નક્કી કરાયું હતું. પ્રોજેક્ટના 71 મહિનાના સમયગાળામાંથી 58 મહિનાનું કુલ રૂ.16.56 કરોડ ભાડું ડેવલોપર દ્વારા ચૂકવવામાં આવ્યું છે, જ્યારે બાકીના 13 મહિનાનું રૂ.3.71 કરોડ ભાડું ચૂકવવાનું બાકી છે. કાનૂની વિવાદના કારણે ડેવલોપરને જમીન અને જરૂરી પરવાનગીઓ આપવામાં વિલંબ થયો હોવાથી ભાડાનો આર્થિક બોજ વધ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. આથી ડેવલોપરે ભાડાના મુદ્દે નિરાકરણ લાવવા લેખિત રજૂઆત કરાઇ હતી.
આ ઉપરાંત જાહેર બાંધકામનાં કામોમાં કોન્ટ્રાક્ટરો પાસેથી અગાઉ 12 ટકા લેખે જીએસટી વસૂલાતો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022માં જીએસટીનો દર વધારીને 18 ટકા કરાયો હતો, જેનો અમલ કોર્પોરેશનમાં જુલાઈ 2022થી શરૂ થયો હતો. વધારાના ભારણની સરભર કરવા માટે ડાયરેક્ટર જનરલ સીપીડબલ્યુડીના મેમોરેન્ડમમાં 5.36 ટકાના તફાવતની સરભર કરવાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડોદરા સિટી ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશનની રજૂઆતને પગલે હવે કોન્ટ્રાક્ટરોને જીએસટીના વધારાના ભારણ સામે 5.36 ટકા સરભર કરવાની દરખાસ્ત પણ સામાન્ય સભામાં મંજૂરી માટે કરાઈ છે.




