નર્મદા નદીના કાંઠે વીજ મથકનું નિર્માણ વડોદરા જિલ્લાનું સૌપ્રથમ થર્મલ પાવર સ્ટેશન શિનોરમાં તૈયાર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લામાં સૌપ્રથમ થર્મલ પાવર સ્ટેશન તૈયાર થવા પર સરકારે મંજૂરીની મહોર મારી દેતા હવે તે માટ ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે. શિનોર તાલુકામાં નર્મદા કાંઠાના ત્રણ ગામોની કઇ જમીન સંપાદન થશે તે અંગેના પ્રાથમિક જાહેરનામાની પ્રસિધ્ધિ સાથે જ થર્મલ પાવર સ્ટેશન બનવાના દ્વાર પણ હવે ખુલ્લા થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકામાં સુરાશામળ, મિંઢોળ અને માંજરોલની જમીન સંપાદન કરી તેના વ્યાજબી વળતર, પુનર્વસન અને પુનઃ સ્થાપન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી. દ્વારા નર્મદા કાંઠે ૮૦૦ મેગાવોટની ક્ષમતાના બે યુનીટ એટલેકે કુલ ૧૬૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થાય તે માટે કોલસા આધારિત વિદ્યુત મથકની સ્થાપના કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા ત્રણે ગામોના ક્યાં સર્વે નંબરોની જમીન સંપાદન કરવામાં આવશે તે અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા માટે શિનોર તાલુકાના સુરાશામળ ગામની ૧૭૦ હેક્ટરથી વધુ, મિંઢોળ ગામની ૧૭૩ હેક્ટરથી વધુ તેમજ માંજરોલ ગામની ૧૭૨ હેક્ટરથી વધુ મળી આશરે કુલ ૪૨૫ હેક્ટર જેટલી જમીનને સંપાદન કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે વર્ષ-૨૦૧૩ના કાયદા મુજબ જો કોઇ રાષ્ટ્રિય પ્રોજેક્ટ હોય તો તે જમીન વિસ્તારને સામાજીક અસર મુલ્યાંકન (એસઆઇએ)માંથી મુક્તિ આપવામાં આવે છે. શિનોર તાલુકાના ત્રણ ગામોને એસઆઇએમાંથી મુક્તિ આપતુ આ જાહેરનામું અગાઉ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ લાંબા સમય પછી કલમ ૧૦(એ) મુજબનું અને હવે કલમ-૧૧ મુજબના જાહેરનામા પ્રસિધ્ધ કરાયા છે.
કોલસો અને પાણી મેળવવામાં સરળતા હોવાથી સ્થળની પસંદગી
શિનોર તાલુકાના નર્મદા નદીના કાંઠે થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા માટે છેલ્લા ચાર દાયકાથી વાતો ચાલતી હતી પરંતુ તેની કામગીરી આગળ વધતી ન હતી. અગાઉ એસઆઇએમાંથી મુક્તિ મળતાની સાથે જ હવે શિનોર તાલુકાના વિકાસ દ્વાર ખુલવા જઇ રહ્યા છે.
શિનોર તાલુકાની સામે કિનારે આવેલ ભરૃચ જિલ્લાના ઝઘડીયા પાસે લિગ્નાઇટ કોલસાની ખાણ આવેલી હોવાથી કોલસો મેળવવો પણ સહેલો છે તેમજ પાણી નર્મદા નદીમાંથી મળી રહેશે જેથી વીજ થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા માટે અનુકુળતા છે.
સરકારની અગાઉની જાહેરાતનું સુરસુરિયું
સામાજીક અસર મૂલ્યાંકન એટલેકે એસઆઇએમાંથી જમીન વિસ્તારને મુક્તિ મળતા અગાઉ વર્ષ-૨૦૧૮માં શિનોર તાલુકામાં થર્મલ પાવર પ્રોજેક્ટ બનવા માટેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. ક્યાં ગામની કેટલી જમીન સંપાદન થવાની છે તે માટેનું કલમ-૧૧ મુજબનું પ્રાથમિક જાહેરનામું આજે બહાર પાડવામાં આવ્યુ હતું પરંતુ કોઇ કારણસર પ્રક્રિયા ઘોંચમાં પડી હતી.
જમીન સંપાદનને લગતી તમામ પ્રક્રિયા બે વર્ષમાં પુરી કરી દેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ બે વર્ષના બદલે હવે ૧૦ વર્ષે સમગ્ર પ્રોજેક્ટની પ્રક્રિયા નવેસરથી હાથ ધરવામાં આવી છે.




