Baroda

ફ્રેઇટ રેલવે કોરિડોરમાં માલગાડીને ઉથલાવવાનું કાવતરુ ઃ છ ઝડપાયા

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રેલવેની નવી DFC લાઇન પરથી પેંડરોલ ક્લીપો અને મેટલ લાઇનરની ચોરી કરી માલગાડી ઉથલાવવાનું કાવતરું ઝડપાયું. RPF અને પોલીસે 4 ચોર તથા 2 ભંગારના વેપારી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી. તેમની પાસેથી 1956 ક્લીપો, 496 લાઇનર અને વાહનો મળી કુલ ₹2.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ચોરી કરનારા કોન્ટ્રાક્ટ પર પેટ્રોલમેન હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રેઇટ રેલવે કોરિડોરમાં માલગાડીને ઉથલાવવાનું કાવતરુ ઃ છ ઝડપાયા

રેલવે દ્વારા નવી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી) લાઇનના પાટાને જોડતી પેંડરોલ ક્લીપો તેમજ મેટલ લાઇનરની ચોરી કરી રેલવે લાઇનને નુકસાન પહોંચાડી માલગાડીને ઉથલાવવાનું કાવતરું તંત્રએ ઝડપી પાડી ચાર ચોર તેમજ બે ભંગારના વેપારી સહિત છની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રેલવે તંત્ર દ્વારા ફક્ત માલની હેરાફેરી માટે તૈયાર કરાયેલી ફ્રેઇટ કોરિડોર રેલવે લાઇન પર સ્ટાફ દ્વારા રોજ લાઇનની ચકાસણી કરવામાં આવે છે. આ ચકાસણી દરમિયાન ન્યુ મકરપુરાથી ન્યુ વાસદ સુધીની રેલવે લાઇનની વચ્ચેથી પેંડરોલ ક્લીપો તેમજ મેટલ લાઇનર મોટી સંખ્યામાં કાઢી નાંખ્યા હોવાનું જણાયું હતું. આ અંગે કર્મચારીએ તુરંત જ તેમના અધિકારીને જાણ કરી હતી અને બાદમાં આરપીએફ તેમજ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી.
માલગાડીને ઉથલાવવાના કાવતરા સમાન આ ઘટનામાં પોલીસ અને આરપીએફની જોઇન્ટ ટીમો બનાવી રેલવેની સંપત્તિની ચોરી કરનારાને શોધી કાઢવાની કવાયત હાથ ધરાઇ હતી. દરમિયાન ટેકનિકલ તેમજ બાતમીદારો દ્વારા સૌપ્રથમ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય દ્વારા રેલવે લાઇનમાંથી ચોરીની કબૂલાત કરી તેને ભંગારના વેપારીને વેચાણ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.
તંત્રએ કારેલીબાગ વિસ્તારમાં ભંગારની ફેરી કરતા બે વેપારીને પણ ઝડપી પાડી તમામ આરોપીઓ પાસેથી ૧૯૫૬ પેંડરોલ ક્લીપો તેમજ ૪૯૬ મેટલ લાઇનરો, એક ટેમ્પો, એક કાર, એક રિક્ષા અને બે બાઇક મળી કુલ રૃા.૨.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડાપ્રધાન દ્વારા ડીએફસીના ઉદ્ધાટન પહેલા આ ગંભીર કૃત્ય ધ્યાનમાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડયા છે.

કોન્ટ્રાક્ટમાં પેટ્રોલમેન તરીકે ચારેય નોકરી કરતા હતા

ન્યુ મકરપુરાથી ન્યુ વાસદ ડીએફસી રેલવે લાઇનમાં પેંડરોલ ક્લીપો તેમજ મેટલ લાઇનરની ચોરી કરનાર ચારેય શખ્સો રેલવેમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા હતાં. તેઓ વરસાદની ઋતુમાં પેટ્રોલમેન તરીકે કામ કરતા હોવાથી રેલવેની સંપત્તિની ચોરી કરી તેને વેચીને રોકડી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

રેલવે લાઇનને નુકસાન કરનાર આરોપીઓના નામો

  • આશિષ છત્રસિંહ ચૌહાણ (રહે.નીલકંઠ મહાદેવ ફળિયું, ઠીકરીયા મુંબારક ગામ)
  • અજય મનુભાઇ રાઠવા (રહે.ગોરવા)
  • ગોપાલ સોમાભાઇ વસાવા (રહે.ઠીકરીયા મુબારક ગામ)
  • મહેશ પ્રતાપસિંહ ગોહિલ (રહે.નાની ભાગોળ, શેરખી)
  • અહમદહુસેન મોહમંદ શેખ (રહે.ફાગવેલનગર, નવીનગરી)
  • ઇર્શાદ અહેસાન અહેમદ અન્સારી (રહે.અશોકનગર, પાણીની ટાંકીરોડ, કારેલીબાગ)