Baroda

ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને પ્લોટની ફાળવણી સામે કોંગ્રેસનો વિરોધ: પોલીસ સાથે ઘર્ષણ: આખરે અટકાયત

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં યુસુફ પઠાણને તાંદલજા ખાતે 978 ચો.મી. જમીન ફાળવવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી જમીન ફાળવણીને "રાજકીય નજીકના લોકો માટે ભેટ" ગણાવી હતી. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. 3 નાગરિકોએ વાંધા અરજી આપી છે, જ્યારે એક સામાજિક કાર્યકરે આ જ જમીન માટે રૂ. 10 કરોડની ઓફર કરી શ્રીરામ મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વિશ્વામિત્રી બચાવો સમિતિએ પણ સરકારના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને પ્લોટની ફાળવણી સામે કોંગ્રેસનો વિરોધ: પોલીસ સાથે ઘર્ષણ: આખરે અટકાયત

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભા પૂર્વે યુસુફ પઠાણને તાંદલજામાં જમીન ફાળવવાના વિવાદાસ્પદ મુદ્દે ભારે હોબાળો થયો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓ એક તરફ સત્તાપક્ષ દ્વારા જમીન ફાળવણીની દરખાસ્તને અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે, તો બીજી તરફ કોંગ્રેસ અને વિવિધ નાગરિક સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્રણ નાગરિકોએ વાંધા અરજી આપી છે, જ્યારે સામાજિક કાર્યકર દ્વારા આ જ જમીન માટે રૂ.10 કરોડ સુધીની ઓફર કરવામાં આવી છે. વિશ્વામિત્રી બચાવો સમિતિએ પણ રાજ્ય સરકારના નિર્ણય સામે સવાલો ઉઠાવી રજૂઆત કરી છે.

આજે સાંજે 5 વાગ્યે મળનારી સામાન્ય સભામાં યુસુફ પઠાણને તાંદલજા ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 ખાતે આવેલી 978 ચોરસ મીટર જમીન ફાળવવાની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી જેને બહુમતીના જોરે મંજૂર કરશે. રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 500 ચોરસ મીટર જમીન ભેટ સ્વરૂપે અને બાકીની 478 ચોરસ મીટર જમીન વુડાની વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી કરાયેલા મૂલ્યાંકનના 55 ટકા ભાવે ફાળવવાની જોગવાઈ છે. એટલે કે બાકીની જમીનમાં 45 ટકા રાહત આપવામાં આવશે. સ્થાયી સમિતિ દ્વારા આ દરખાસ્ત અગાઉ મંજૂર કરવામાં આવી ચૂકી છે.

જોકે, જમીન ફાળવણીનો મુદ્દો હવે રાજકીય અને સામાજિક વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આજે બપોરે 4 વાગ્યે કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું 'જનતા માટે કાયદાના ડંડા, રાજકીય નજીકના લોકો માટે જમીનની ભેટ કેમ?' તેવા સવાલ સાથે કોંગ્રેસ જાહેર સંપત્તિની ફાળવણી સામે વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશન કમ્પાઉન્ડમાં મોરચો લઈને આવેલા આશિષ જોષી સહિત કોંગ્રેસના આગેવાનો અને પોલીસ સિક્યુરિટી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા આખરે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

બીજી તરફ શહેરના ત્રણ નાગરિકોએ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને વાંધા અરજી આપી છે. અરજદારોએ સ્થાયી સમિતિના ઠરાવને કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ધ ગણાવી તેની અમલવારી અટકાવવાની માગ કરી છે.
આ વિવાદ વચ્ચે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે તાંદલજાના આ પ્લોટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ.10 કરોડ સુધીની ઓફર કરી છે. તેમણે કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને લેખિત રજૂઆત કરીને આ જમીન પર ભગવાન શ્રીરામચંદ્રજીનું ભવ્ય મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

વિવાદમાં વિશ્વામિત્રી બચાવો સમિતિએ પણ ઝંપલાવ્યું છે. સમિતિના પ્રમુખ કિશોર શર્મા, સંજય વાઘેલા અને એડવોકેટ શૈલેષ અમીને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરી જમીન ફાળવણીનો નિર્ણય તાત્કાલિક રદ કરવાની માગ કરી છે. સમિતિએ અશાંતધારા કાયદાના અમલીકરણ અને સરકારના નિર્ણય વચ્ચે વિરોધાભાસ હોવાનો આક્ષેપ કરીને સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે.