Baroda

પાણીની સમસ્યાની રજૂઆત માટે નાગરિકોને રોકવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ઓફિસમાં કોંગ્રેસનો હોબાળો

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા આવેલા નાગરિકો અને કોંગ્રેસના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવને કોર્પોરેશન કચેરીમાં પ્રવેશતા રોકવા મુખ્ય દરવાજે તાળું મરાતા વિવાદ સર્જાયો છે. 8 ઓક્ટોબર, 2026ના રોજ બનેલી આ ઘટના અંગે કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જવાબદાર અધિકારી સામે કાર્યવાહી અને સીસીટીવી ફૂટેજ જાળવવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાણીની સમસ્યાની રજૂઆત માટે નાગરિકોને રોકવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ઓફિસમાં કોંગ્રેસનો હોબાળો

Vadodara Corporation : વડોદરા શહેરમાં પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવા પહોંચેલા નાગરિકો અને કાઉન્સિલરને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં પ્રવેશતા રોકવા મુખ્ય પ્રવેશદ્વારને તાળું મારી દેવામાં આવ્યું હોવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. આ મામલે કોંગ્રેસનાં કાઉન્સિલર દીપા મધુભાઈ શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને જવાબદાર અધિકારી સામે સવાલો ઉઠાવ્યા છે.
રજૂઆત મુજબ, ગઈકાલે તા.8 ઓક્ટોબર, 2026ના રોજ પાણીની સમસ્યાને લઈને નાગરિકો શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે રજૂઆત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા. તે સમયે ડિરેક્ટર એન્ક્રોચમેન્ટ એન્ડ સિક્યુરિટી મંગેશ જયસવાલની કામગીરી અથવા સૂચના હેઠળ મુખ્ય પ્રવેશદ્વારને તાળું મારી નાગરિકોને કચેરીના પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.
દીપા શ્રીવાસ્તવે કમિશનર સમક્ષ સવાલ કર્યો છે કે મુખ્ય દરવાજો બંધ કરવાનો આદેશ કયા અધિકારીએ આપ્યો હતો અને આ નિર્ણય પાછળ કયો કાયદાકીય આધાર હતો? આ અંગે કોઈ લેખિત આદેશ, પરિપત્ર કે સુરક્ષા સૂચના આપવામાં આવી હોય તો તેની પ્રમાણિત નકલ પણ માગવામાં આવી છે. પોલીસ કે અન્ય સક્ષમ સત્તાધિકારી તરફથી કોઈ સૂચના મળી હતી કે નહીં, તેની પણ સ્પષ્ટતા માગવામાં આવી છે.
આ ઉપરાંત, ઘટનાના સંબંધિત સમયગાળાની અવાજ સહિતની સીસીટીવી નોંધો તાત્કાલિક સુરક્ષિત રાખવા અને તેમાં કોઈ ફેરફાર કે તેને ભૂંસી નાખવામાં ન આવે તેની ખાતરી આપવા રજૂઆત કરવામાં આવી છે. દરવાજો બંધ કરવાના નિર્ણય અંગેની ફાઇલ નોંધ અને અન્ય સત્તાવાર દસ્તાવેજો પણ ઉપલબ્ધ કરાવવાની માગ કરાઈ છે.
રજૂઆતમાં જણાવાયું છે કે જો કોઈ કાયદેસર લેખિત આદેશ કે સક્ષમ સત્તાધિકારીની સૂચના વિના માત્ર નાગરિકોની શાંતિપૂર્ણ રજૂઆત રોકવા માટે પ્રવેશદ્વાર બંધ કરવામાં આવ્યું હોય, તો તેની કાયદેસરતા અને જવાબદારી નક્કી થવી જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નાગરિકોને જાહેર સમસ્યાઓ અંગે રજૂઆત કરવાની તક મળવી જોઈએ તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
કાઉન્સિલરે તમામ મુદ્દે 48 કલાકની અંદર લેખિત સ્પષ્ટતા આપવા, સીસીટીવી નોંધો અને સંબંધિત સત્તાવાર રેકોર્ડ જાળવી રાખવા તેમજ રજૂઆતને સત્તાવાર નોંધમાં લઈ ઇનવર્ડ નંબર આપવા માગ કરી છે. અન્યથા સક્ષમ સત્તાધિકારી અથવા ન્યાયાલય સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.