રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવાર નજીક આવતાં મુસાફરોનો ધસારો સતત વધવાનો છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા સૌથી વધુ મહત્વની બને છે, પરંતુ શહેરના જાહેર પરિવહનનાં મુખ્ય મથકો પર સુરક્ષાની વ્યવસ્થામાં બેદરકારી જોવા મળી હતી.
વડોદરા રેલવે સ્ટેશન પર પ્રવેશ અને નિકાસ દ્વાર પર મુસાફરોની કોઈ ચકાસણી થતી નથી. એટલું જ નહીં, મુસાફરો રેલવેના સત્તાવાર કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ અને ફેરિયાઓ પણ બિન્દાસ્ત રીતે રેલવે ટ્રેક ઓળંગી રહ્યા છે. બીજી તરફ, મુસાફરોના સામાનની તપાસ માટે મૂકવામાં આવેલા લગેજ સ્કેનિંગ મશીનો બંધ હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની રહ્યાં છે. અગાઉ રેલવેમાં મુસાફરોના સામાનમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા લોકો ઝડપાયા હોવાના કિસ્સા પણ નોંધાયા છે.
બીજી તરફ, સેન્ટ્રલ એસટી બસ સ્ટેશન ખાતે પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. બસોની અવરજવર માટેના પ્રતિબંધિત માર્ગ અને બસના સ્ટેન્ડ વિસ્તારમાં જ મુસાફરોની ગેરકાયદે અવરજવર થઈ રહે છે. બસો સતત આવતી-જતી હોવા છતાં મુસાફરો બસના માર્ગમાં જ ઊભા રહેતા હોવાથી અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે.
આવી જ સ્થિતિ સિટિ બસ સ્ટેશન ખાતે પણ જોવા મળી રહી છે. જ્યાં સિટિ બસોની અવરજવર થતી હોય છે તે જ માર્ગ પર મુસાફરો ઊભા રહેતા અને પસાર થતા જોવા મળે છે. અગાઉ અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટનાઓ પરથી પ્રવાસી જનતા બોધપાઠ લેવા માગતી ના હોવાનું જોખમી ચિત્ર ઉપસી રહ્યું છે.




