પિતા સાથે ફરવા નીકળેલો બાળક રિક્ષામાંથી પટકાતા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રિક્ષામાં પિતા સાથે ફરવા નીકળેલો પાંચ વર્ષનો માસૂમ બાળક રિક્ષામાંથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું છે. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, બાળકના પિતા ફરાર થઇ ગયા છે. તેઓ મળી આવ્યા પછી સાચી હકીકત જાણી શકાશે.
આજવારોડ એકતાનગર લક્ષ્મીનગરમાં રહેતા બંટીખાન જલાલખાનના લગ્ન મોસમા સાથે વર્ષ ૨૦૧૯ માં થયા હતા. તેઓને ચાર સંતાનો હતા. મોસમાનું ત્રણ મહિના પહેલા કુદરતી બીમારીના કારણે મોત થયું હતું. સૌથી મોટા દીકરા મોહંમદ (ઉં.વ.૫) ને રિક્ષામાં લઇને તેના પિતા આજવા ચોકડીથી કમલાનગર તરફ જતા હતા.રાત્રે નવ વાગ્યે આજવારોડ પર જ અચાનક પ વર્ષનો બાળક રિક્ષામાંથી નીચે પડી ગયો હતો. રોડ પર ફંગોળાઇને પટકાયેલા બાળક ને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં છોડીને તેના પિતા ફરાર થઇ ગયો છે. બાળકના નાના ( માતાના પિતા) એ આ અંગે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. આર.બી. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, બાળકનું મોત કોઇ વાહનના પૈંડા તળે કચડાઇ જવાથી ગંભીર ઇજાના કારણે થયું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ, બાળકના શરીર પર પૈંડાથી ઇજા થવાના નિશાન મળ્યા નથી.ચોક્કસ કારણ પી.એમ.રિપોર્ટ પછી બહાર આવશે. અકસ્માતના સ્થળ નજીક કોઇ સીસીટીવી ફૂટેજ નથી. જેથી,પોલીસ પાસે માત્ર નજરે જોનાર લોકોના જ નિવેદનો તપાસ માટે મહત્વના બની રહેશે. અકસ્માતમાં એક એવી પણ વાત ફેલાઇ હતી કે, કોર્પોરેશનના ડમ્પર તળે કચડાઇ જવાથી બાળકનું મોત થયું છે. પંરતુ,પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિગત ખોટી હોવાનું જણાઇ આવ્યું છે.બાળકના પિતા મળ્યા પછી જ અકસ્માતની સમગ્ર ઘટના કેવી રીતે થઇ, તે જાણી શકાશે. હું ગભરાઇ ગયો છું, એટલે જતો રહ્યો છું. તેવુ ંકહી બાળકની અંતિમ વિધિ કરી દેવા તેણે ફોન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બંટીખાન કલર કામ કરે છે. જે રિક્ષા લઇને તે નીકળ્યો હતો. તે રિક્ષાના માલિકને પણ પોલીસ શોધી રહી છે.
ઘર નજીક આવેલા મંદિરે દર્શન કરીને પરત ઘરેજતા વૃદ્ધાને વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું છે.
સમા જલારામ મંદિરની બાજુમાં જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષના શર્મિષ્ઠાબેન શરદકુમાર વ્યાસ નજીકમાં આવેલા જલારામ મંદિરમાં રોજ પૂજા પાઠ કરવા જતા હતા. આજે સવારે તેઓ રાબેતા મુજબ ઘરેથી ૭ વાગ્યે નીકળી ચાલતા જલારામ મંદિર જતા હતા. દર્શન કરીને પરત ઘરે આવવા માટે તેઓ રોડ ક્રોસ કરતા સમયે એક વાહન ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. સમા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કરીને ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.




