Baroda

ડેસર તાલુકામાં દુધાળા પશુઓને ઉઠાવતા ચોરોથી પશુપાલકો હેરાન

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
ડેસર તાલુકાના ઘેલાપુરી, ડેસર, સાંઢાસાલ સહિતના ગામોમાં પશુ ચોરીનો આતંક ફેલાયો હતો. 15 દિવસમાં 7 દુધાળા પશુ અને 2 પાડીની ચોરી થતાં પશુપાલકોમાં ચિંતા હતી. ડેસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કાળુભાઈ ભરવાડ, પ્રદીપ પરમાર અને સમીર મકરાણી નામના 3 ચોરોને ઝડપી પાડ્યા છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડેસર તાલુકામાં દુધાળા પશુઓને ઉઠાવતા ચોરોથી પશુપાલકો હેરાન

ડેસર તાલુકામાં પશુ ચોર ટોળકીના આતંકથી પશુપાલકોમાં ચિંતા પ્રસરી છે. તાલુકાના ઘેલાપુરી, ડેસર, સાંઢાસાલ ગામમાંથી ૭ દુધાળા પશુ અને ૨ પાડી સહિતના મુંગા પશુઓને ટોળકી ઉઠાવી ગઇ હતી. પશુપાલકોની ફરિયાદોનો મારો થતા આખરે પોલીસે કાર્યવાહી કરી ત્રણ ચોરોને ઝડપી પાડયા છે.
ડેસર ગામે ગરાસીયા ફળિયામાં રહેતા વિજય ઇબ્રાહીમભાઇ રાઉલ ખેતી સાથે પશુપાલન કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તા.૩૧મી ઓક્ટોબરના રોજ વિજયભાઈ સંબંધીના ઘેર બહાર ગયા હતા અને ઘરે તેમનો પુત્ર અફઝલ હતો ત્યારે રાબેતા મુજબ ખેતરમાં આવેલ તબેલા પર સાંજે ભેંસોનુ દૂધ કાઢી ઘાસચારો નાખી રાત્રે પરત ઘરે આવેલો બીજા દિવસે સવારે જ્યારે ખેતરમાં તબેલા પર પહોંચ્યો ત્યાં જોયું તો તેમના ત્રણ દુધાળા પશુમાંથી બે ભેંસો ખીલે બાંધેલી ન હતી. જેથી પુત્રએ પિતાને જાણ કર્યા બાદ રૃા.૨ લાખ કિંમતની બે ભેંસો ચોરી થઇ હોવાની ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંતડેસર તાલુકાના ઘેલાપુરી ગામે રહેતા મહેશ બાબુભાઈ પરમારની પણ ખેતરના તબેલામાં બાંધેલા ચાર દુધાળા પશુ પૈકી રૃા.૮૦ હજાર કિંમતના એક પશુની ચોરી થઇ હતી. આ બાબતની જાણ સાંઢાસાલ, આનંદીના મુવાડા અને સદાપુરા ગામના પશુપાલકોને થતા તેઓ તુરંત મહેશભાઈને મળ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે અમારી ભેંસોની પણ ચોરી થઈ છે. જેમાં સાંઢાસાલના રમણ ઉદાભાઈ પરમારના બે પશુ, જયદીપસિંહ લક્ષ્મણસિંહ ગોહિલની ત્રણ વર્ષની પાડી, આનંદીના મુવાડા ગામના મહેન્દ્રભાઈ રમણભાઈ પરમારની એક પાડીની રોજ ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
તેવી જ રીતે સદાપુરાના ગણપત સોમાભાઈ સોલંકીના બે દુધાળા પશુ ચોરી થયા હતાં. માત્ર ૧૫ દિવસના ગાળામાં ૭ પશુઓ અને ૨ પાડીની ચોરી થઇ હતી. પશુપાલકોએ ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ત્રણ પશુ ચોરો કાળુભાઈ ભુરાભાઈ ભરવાડ (રહે.જંત્રાલ, તા.કાલોલ), પ્રદીપ પ્રકાશભાઈ પરમાર (રહે.સંતરોડ, હાલોલ) અને સમીર હુસૈન ગુલામ હુસેન મકરાણી (રહે.ધનતેજ, તા.સાવલી)ને ઝડપી પાડયા હતાં જ્યારે ટેમ્પાચાલક સહિત અન્યને પોલીસ શોધી રહી છે.