Baroda

છાણીના જય સ્વામિનારાયણ ભોજનાલયમાં લોટ બાંધવાના મશીનમાં બિલાડી મોઢું મારતી દેખાઈ : વીડિયો વાયરલ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા જય સ્વામિનારાયણ કાઠિયાવાડી ભોજનાલયમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થતો વીડિયો વાયરલ થયો છે. એક ગ્રાહકે રેસ્ટોરન્ટના રસોડામાં લોટ બાંધવાના મશીનમાં બિલાડી મોઢું મારતી જોઈ, તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂક્યો. આ ઘટનાથી ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમો પર ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્રની તપાસ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છાણીના જય સ્વામિનારાયણ ભોજનાલયમાં લોટ બાંધવાના મશીનમાં બિલાડી મોઢું મારતી દેખાઈ : વીડિયો વાયરલ

Vadodara News : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી જય સ્વામિનારાયણ કાઠિયાવાડી ભોજનાલયમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી હોવાનો ગંભીર આક્ષેપ કરતો વીડિયો સામે આવ્યો છે. રેસ્ટોરન્ટના રસોડામાં લોટ બાંધવાના મશીનમાં બિલાડી મોઢું મારતી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ભોજન માટે પહોંચેલા ગ્રાહકે સમગ્ર ઘટના પોતાની નજરે જોતા તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે એક ગ્રાહક જમવા માટે ભોજનાલયમાં પહોંચ્યો હતો. તે દરમિયાન રસોડામાં લોટ બાંધવા માટે ઉપયોગમાં લેવાતા મશીનમાં બિલાડી મોઢું મારતી જોવા મળી હતી. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. લોકોના આરોગ્ય સાથે આવી રીતે બેદરકારી ન ચાલે તે માટે સંચાલકની લાલિયાવાડી છતી કરવા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો હોવાનું જાણવા મળે છે.
ખાસ કરીને મોટી માત્રામાં મેંદો કે લોટ બાંધવા માટે બેકરી, હોટલ અને રેસ્ટોરન્ટમાં આવા મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આવા મશીનમાં બિલાડી મોઢું મારતી હોય અને ત્યારબાદ એ જ લોટમાંથી ભોજન તૈયાર કરી ગ્રાહકોને પીરસવામાં આવતું હોય તો સ્વચ્છતા અને આરોગ્યના નિયમો સામે ગંભીર સવાલો ઊભા થાય છે.
રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ભોજન પીરસતા પહેલાં જ મશીનમાં લોટમાં બિલાડી હોવાનો વીડિયો સામે આવતા ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
ગ્રાહકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળે તે માટે નિયમિત તપાસનો દાવો કરવામાં આવે છે, પરંતુ આવા વીડિયો સામે આવે ત્યારે તંત્રની તપાસ માત્ર કાગળ પર છે કે ખરેખર રસોડા સુધી પહોંચે છે? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.