ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયમાં આજે ભારત CPSE કન્સલ્ટેટિવ કૉન્ક્લેવનું ઉદ્ઘાટન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gati Shakti University : વડોદરાની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ખાતે આજે 24 સપ્ટેમ્બરે ભારત CPSE કન્સલ્ટેટિવ કૉન્ક્લેવની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન થશે. કેપેસિટી બિલ્ડિંગ કમિશન અને જાહેર સાહસો વિભાગ, નાણા મંત્રાલયના સહયોગથી યોજાનારી આ ત્રણ દિવસીય કૉન્ક્લેવ 24થી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે.
મિશન કર્મયોગી અંતર્ગત યોજાનારી કૉન્ક્લેવમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મલ્ટીમોડલ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં પ્રોજેક્ટ તથા એસેટ મેનેજમેન્ટ પર વિચારમંથન કરવામાં આવશે. 15થી વધુ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોના 30થી વધુ વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત 22 વિષય નિષ્ણાતો, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના 20 ક્ષેત્ર-વિશેષ ફેકલ્ટી સભ્યો, ઉદ્યોગજગત તથા વિવિધ કેન્દ્રીય મંત્રાલયોના પ્રતિનિધિઓ ભાગ લેશે.
ઉદ્ઘાટન સત્રમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અબિલ કુમાર લાહોટી મુખ્ય સંબોધન કરશે. કેપેસિટી બિલ્ડિંગ કમિશનના સભ્ય (વહીવટ) ડો. અલકા મિત્તલ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. (ડો.) મનોજ ચૌધરી પણ સંબોધન કરશે. આ દરમિયાન કેપેસિટી સંગમ પહેલ અંગે કેપેસિટી બિલ્ડિંગ કમિશન અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા સંયુક્ત જાહેરાત કરવામાં આવશે.
કૉન્ક્લેવના પ્રથમ દિવસે PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન, યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP) અને માલસામાનની અવરજવરની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવતી વ્યવસ્થા અંગે સત્રો યોજાશે. રોડ, રેલવે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, બંદરો, અંતરદેશીય જળમાર્ગો, ઉડ્ડયન અને વેરહાઉસિંગ સહિતના ક્ષેત્રોમાં મલ્ટીમોડલ પરિવહન અને એસેટ લાઇફસાયકલ મેનેજમેન્ટ અંગે નિષ્ણાતો ચર્ચા કરશે.
બીજા દિવસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા પરિવહન-લોજિસ્ટિક્સ ક્ષેત્રના અલગ-અલગ જૂથોમાં ચર્ચા થશે. BIM, જનરેટિવ અને એજન્ટિક AI તથા કૃત્રિમ બુદ્ધિ આધારિત પ્રોજેક્ટ જોખમની દેખરેખ અંગે ટેકનોલોજીનું નિદર્શન પણ કરવામાં આવશે. આ ચર્ચાઓના આધારે CPSE, કેપેસિટી બિલ્ડિંગ કમિશન અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા સુધારાઓ અંગે ભલામણો તૈયાર કરવામાં આવશે.
કૉન્ક્લેવના ત્રીજા અને અંતિમ દિવસે 26 સપ્ટેમ્બરે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના એરબસ સેન્ટર ઓફ એક્સલન્સ ઉપરાંત કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાતનું આયોજન કરાયું છે.
કૉન્ક્લેવમાંથી મળનારી ભલામણો અને શ્રેષ્ઠ પદ્ધતિઓનો સમાવેશ ભારત CPSE સંગ્રહમાં કરવામાં આવવાની અપેક્ષા છે. આ ભલામણો CPSE સ્તરની કામગીરી, મંત્રાલય સ્તરના નિર્ણયો અને રાષ્ટ્રીય નીતિ ઘડતર માટે ઉપયોગી બને તે દિશામાં તૈયાર કરવામાં આવશે.




