પાણી પુરવઠા માટે અંદાજથી 14.11 ટકા વધુ ભાવે કામ સોંપવાની પેરવી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા પાલિકામાં પાણીની લાઈનના કામ માટે અંદાજ કરતાં વધુ ભાવે આપવાની પેરવી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. પાણીની લાઈન નાખવા ઉપરાંત ચેમ્બર, ટ્યુબવેલ અને હેન્ડપંપ બનાવવાના કામ માટે રૂપિયા એક કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારો આપવાની દરખાસ્ત સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.
જાન્યુઆરી-2026 દરમિયાન આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં બે ઇજારદારો લાયક ઠર્યા હતા. બરોડા સેનિટેશનનું ભાવપત્રક અંદાજ કરતાં 21.96 ટકા વધુ, જ્યારે જય ભોલે એન્ટરપ્રાઇઝનું ભાવપત્રક 24.77 ટકા વધુ આવ્યું હતું.
ટેન્ડરમાં બંને ઇજારદારોના ભાવ અંદાજ કરતાં વધુ આવતા પાલિકાએ બરોડા સેનિટેશનને ભાવ ઘટાડવા જણાવ્યું હતું. ત્યારબાદ ઇજારદાર દ્વારા અંદાજ કરતાં 14.11 ટકા વધુ ભાવથી કામગીરી કરવા સંમતિ દર્શાવવામાં આવી હતી.
આમ, શરૂઆતમાં 21.96 ટકા વધુ ભાવ રજૂ થયા બાદ ઘટાડો કરીને પણ અંદાજ કરતાં 14.11 ટકા વધુ ભાવે વાર્ષિક ઇજારો આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. પાલિકાની તિજોરીમાંથી થનારા ખર્ચને જોતા અંદાજ કરતાં વધુ ભાવે કામ સોંપવાની આ દરખાસ્ત સામે હવે સવાલો ઊભા થયા છે.
પાણી પુરવઠા જેવી જરૂરી કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયામાં સ્પર્ધાત્મક ભાવ મળવા જોઈએ તેવી અપેક્ષા વચ્ચે અંદાજ રકમ કરતાં 14.11 ટકા વધુ ભાવને મંજૂરી આપવા માટેની દરખાસ્ત કેમ લાવવામાં આવી? તેવો સવાલ ચર્ચામાં આવ્યો છે. સમગ્ર મામલે સમિતિમાં દરખાસ્ત રજૂ થતાં વધુ ભાવે કામ આપવાની પેરવીને લઈને વિવાદ સર્જાયો છે.




