Baroda

વડોદરામાં રખડતા કૂતરા કરડવાના ઓગસ્ટ માસમાં જ ૬૦૦ જેટલા બનાવો

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રખડતા કૂતરાઓનો ત્રાસ વકર્યો છે. સયાજી હોસ્પિટલમાં રોજ 20-25 કેસ નોંધાય છે, જેમાં ઓગસ્ટમાં કુલ 1086 એનિમલ બાઈટ કેસ હતા. કૂતરા ઉપરાંત વાંદરા, બિલાડી અને ઉંદર કરડવાના બનાવો પણ વધ્યા છે. વડોદરા ઉપરાંત આસપાસના જિલ્લા અને અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર લેવા આવે છે, છતાં તંત્ર નિષ્ક્રિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં રખડતા કૂતરા કરડવાના ઓગસ્ટ માસમાં જ ૬૦૦ જેટલા બનાવો

વડોદરામાં રોડ પર ફરતા કૂતરાઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે. કૂતરા કરડવાના બનાવોનાં કારણે રોડ પર અનેક લોકો પસાર થતા ગભરાતા હોય છે. શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં જ કૂતરા કરડવાના કારણે રોજ ૨૦થી ૨૫ જેટલા બનાવો નોધાય છે. માત્ર કૂતરા જ નહી પરંતુ વાંદરા, બિલાડી તેમજ ઉંદર કરડવાના બનાવો માટે પણ સારવાર લેવા દર્દીઓની લાઇન લાગે છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં રખડતા પ્રાણીઓના કારણે નાના-મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે પરંતુ રોડ પરના કૂતરા તેમજ કૂદાકૂદ કરતા વાંદરાઓના કારણે પણ લોકોને હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં ચાલતા મોડેલ એન્ટી રેબીસ ક્લિનિકમાં પ્રાણીઓ કરડવાથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ઓગસ્ટ માસમાં જ એનિમલ બાઇટના ૧૦૮૬ જેટલા કેસો નોંધાયા છે જેમાં સૌથી વધારે સંખ્યા કૂતરાઓ કરડવાની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઓગસ્ટ માસમાં ૬૦૦ કેસો નવા હતા જ્યારે અન્ય કેસો જૂના કેસોનું ફોલોઅપ હતું. અહી માત્ર વડોદરા શહેરના જ નહી પરંતુ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લા તેમજ બીજા રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. સંસ્કારી અને સલામત વડોદરામાં પ્રાણીઓના હુમલા નાગરિકો પર થતા હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવતા નથી તે ઉપરોક્ત આંકડા પરથી જણાય છે.
ઉલ્લેખનીય છે કે આ આંકડા તો માત્ર સરકારી હોસ્પિટલના છે પરંતુ અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતા દર્દીઓની સંખ્યા પણ વધારે હોઇ શકે છે. કોર્પોરેશન દ્વારા કૂતરાઓની સંખ્યા વધે નહી તે માટે ખસીકરણના કાર્યક્રમો કરવામાં આવે છે તેમ છતાં કૂતરા કરડવાના બનાવો બનતા રહે છે.