Baroda

એમ.એસ.યુનિ.માં હંગામી અધ્યાપક તરીકે નિમણૂક પણ લેકચર એકેય નહીં લેવાના

By GS Team
20 Nov 20263 mins read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના મંત્રીના અંગત ગણાતા એક હંગામી અધ્યાપકને VIP ટ્રીટમેન્ટ મળતા વિવાદ સર્જાયો છે. આ અધ્યાપકને લેક્ચર લેવાની જવાબદારી સોંપવામાં આવી નથી, છતાં દર મહિને પગાર ચૂકવાય છે. વિદ્યાર્થીઓની ફરિયાદો છતાં તેમની ફરી નિયુક્તિ કરાઈ છે, જેનાથી અન્ય હંગામી અધ્યાપકોમાં નારાજગી છે. રાજકીય વગથી નિયમોનું ઉલ્લંઘન થતા શિક્ષણની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિ.માં હંગામી અધ્યાપક તરીકે નિમણૂક પણ લેકચર એકેય નહીં લેવાના

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં નિયુક્ત કરાયેલા એક હંગામી અધ્યાપકને સત્તાધીશો તરફથી મળી રહેલી વીઆઈપી ટ્રીટમેન્ટ અધ્યાપક આલમમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
અધ્યાપક આલમમાં થઈ રહેલા ગણગણાટ અનુસાર રાજ્ય સરકારના એક મંત્રીના અંગત ગણાતા હંગામી અધ્યાપકની કાગળ પર નિયુક્તિ તો ટેમ્પરરી લેકચરર તરીકે થઈ છે પણ તેમને લેકચર લેવાની જવાબદારી સોંપવામાં જ નથી આવી.માત્ર અન્ય એક કામગીરી આપીને સત્તાધીશો તેમને લેકચર લીધા વગર જ દર મહિને પગાર ચૂકવી રહ્યા છે.
એવું કહેવાય છે કે, ગત વર્ષે પણ હંગામી અધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ હતી અને આખુ વર્ષ તેઓ વિવાદમાં રહ્યા હતા.કારણકે વિદ્યાર્થીઓએ તેઓ યોગ્ય રીતે ભણાવતા નહીં હોવાથી માંડીને હેરાનગતિ કરતા હોવાની ડઝનબંધ ફરિયાદો સત્તાધીશો સમક્ષ કરી હતી.એ પછી પણ વર્તમાન શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટી સત્તાધીશોએ વિભાગીય વડાની નારાજગી છતા હંગામી અધ્યાપક તરીકે નિયુક્તિ કરી દીધી છે.રાજકીય વગના કારણે તેમને જે પ્રકારની છૂટછાટો અપાઈ છે તેને લઈને અન્ય હંગામી અધ્યાપકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.જો કે સિનિયર અધ્યાપકો પણ આ હંગામી અધ્યાપક મંત્રીના ખાસ હોવાના કારણે અવાજ ઉઠાવતા ડરી રહ્યા છે.એવું કહેવાય છે કે, વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે પર પણ આ અધ્યાપકની નિયુક્ત કરવા માટે દબાણ હતું.
ડર એ વાતનો છે કે, જે પ્રકારની છૂટછાટો આ અધ્યાપકને અપાઈ છે તેના કારણે ભવિષ્યમાં પણ રાજકીય વગ વાપરીને ઉમેદવારો નિયુક્ત થશે અને યુનિવર્સિટીના નિયમો અને કાયદા ખિસ્સામાં રાખીને ભણાવ્યા વગર જ પગાર લેશે.

કામનો બોજ વેંઢારતા સેંકડો હંગામી અધ્યાપકો સાથે અન્યાય
એક ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, હંગામી અધ્યાપકને એક સપ્તાહમાં અઢાર કલાક ભણાવવાનું હોય છે તો કાયમી અધ્યાપકને પણ ૧૪ કલાકથી માંડીને ૧૬ કલાકનો વર્કલોડ હોય છે.જો તેમની પાસે વધારાની જવાબદારી હોય તો તેમને બે કલાકના શૈક્ષણિક કાર્યમાંથી મુક્તિ મળે છે પણ અન્ય કોઈ જવાબદારીના કારણે કોઈ અધ્યાપકે ભણાવવાનું જ ના હોય તેવો કોઈ નિયમ નથી.આ તો બીજા હંગામી અધ્યાપકો સાથે પણ અન્યાય છે.

કાયમી ભરતીમાં પણ રાજકીય પીઠબળ ધરાવતા ઉમેદવારોની બોલબાલા રહે તેવો ડર
સંખ્યાબંધ અધ્યાપકો એવું માની રહ્યા છે કે, યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની આગામી સમયમાં થનારી સંભવિત ભરતીમાં પણ રાજકીય વગ અને દબાણથી ઉમેદવારો ગોઠવાઈ જશે અને જેઓ ખરેખર લાયકાત ધરાવે છે તેવા ઉમેદવારોની બાદબાકી થઈ જશે.યુનિવર્સિટીમાં શિક્ષણની ગુણવત્તા સરવાળે ખાડામાં જશે.સેંકડો ઉમેદવારો રાહ જોઈને બેઠા છે કે, ક્યારે ભરતી શરુ થાય અને પોતાના રાજકીય આકાઓ પાસે ફોન કરાવીને યુનિવર્સિટીમાં કાયમી નોકરી મેળવી લઈએ…કારણકે એક વખત નોકરી મળે તે પછી કેટલા લેકચર લીધા અને કેટલું રિસર્ચ કર્યું તે કોઈ પૂછવાનું નથી.

વિભાગીય વડાની સહી વગર જોઈનિંગ ઓર્ડર અપાયો
મળતી જાણકારી પ્રમાણે હંગામી અધ્યાપકોના જોઈનિંગ ઓર્ડરમાં જે તે વિભાગના હેડની સહી હોવી જરુરી છે.આ હંગામી અધ્યાપકની નિયુક્તિથી નારાજ વિભાગીય વડાએ જોઈનિંગ ઓર્ડર પર સહી કરવાનો ઈનકાર કરી દીધો હતો અને એ પછી યુનિવર્સિટી હેડ ઓફિસના કહેવા પર ફેકલ્ટી ડીને અધ્યાપકના જોઈનિંગ ઓર્ડર પર સહી કરી

હંગામી અધ્યાપકોના પગાર ધોરણ
--પીએચડી વગર પણ નેટ અથવા સ્લેટ પરીક્ષા પાસ હોય તો ૪૫૦૦૦૦ થી ૪૮૦૦૦ રુપિયા( પાંચ વર્ષથી ઓછા કે તેનાથી વધારે અનુભવના આધારે)
--પીએચડી કે નેટ અથવા સ્લેટ પરીક્ષા પાસ ના કરી હોય તો ૪૧૫૦૦ રુપિયા
--પીએચડી હોય તો ૪૭૦૦૦ થી ૫૦૦૦૦ રુપિયા( પાંચ વર્ષથી ઓછા કે તેનાથી વધારે અનુભવના આધારે)