રૂ.50 લાખનો પાણીનો વાર્ષિક ઇજારો વધીને રૂ.1.45 કરોડે પહોંચ્યો! જુના ઇજારદારને ફાયદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાના પશ્ચિમ ઝોનમાં વોર્ડ નં.10માં પાણીની લાઈન નાખવાના કામના ઇજારા મામલે ફરી વિવાદ સર્જાયો છે. વર્ષ 2024-25 માટે અપાયેલો ઇજારો સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ ચાલુ રાખવા અને તેની નાણાકીય મર્યાદામાં વધુ રૂ.25 લાખનો વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ઇજારો પહેલેથી જ અંદાજ રકમ કરતાં 4.50 ટકા વધુ ભાવનો છે.
સપ્ટેમ્બર-2024માં જગદીશ આર.પટેલને પાણીની લાઈન નાખવાના કામ માટે રૂ.50 લાખની નાણાકીય મર્યાદા (જીએસટી અલગથી) સાથે વાર્ષિક ઇજારો આપવામાં આવ્યો હતો. આ ઇજારાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં નવો ઇજારો કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાને બદલે જૂના ઇજારદારને જ કામ ચાલુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અગાઉ ફેબ્રુઆરી-2026માં ઇજારાની નાણાકીય મર્યાદા વધારીને રૂ.70 લાખ (જીએસટી અલગથી) કરવામાં આવી હતી અને નવો વાર્ષિક ઇજારો ન થાય ત્યાં સુધી વધુ છ મહિનાની મુદત વધારવામાં આવી હતી. હવે ફરી નાણાકીય મર્યાદામાં રૂ.25 લાખનો વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
આમ, શરૂઆતમાં રૂ.50 લાખની નાણાકીય મર્યાદા સાથે આપવામાં આવેલો ઇજારો હવે વધતાં વધતાં રૂ.1.45 કરોડ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, શરૂઆતથી જ આ કામ અંદાજ રકમ કરતાં 4.50 ટકા વધુ ભાવે આપવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે નવો વાર્ષિક ઇજારો સમયસર કરવાની પ્રક્રિયા કેમ હાથ ધરવામાં આવી નહીં? જૂના ઇજારદારને વારંવાર મુદત અને નાણાકીય મર્યાદામાં વધારો આપવાથી પાલિકાને આર્થિક લાભ થયો કે ઇજારદારને?
સમયસર નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાને બદલે જૂના ઇજારદારને જ કામ ચાલુ રાખવા દેવાની નીતિથી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાની પેરવી થઈ રહી હોવાની ચર્ચા પાલિકાના વર્તુળોમાં શરૂ થઈ છે.




