અત્યાધુનિક ટોયલેટ માટે રૂ.9.13 કરોડનો વાર્ષિક ઇજારો : અંદાજથી 63.75 લાખ વધુ ચુકવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરની વધતી વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખીને વિવિધ સ્થળોએ પે એન્ડ યુઝના ધોરણે અત્યાધુનિક ટોયલેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં કુલ 26 એસ્પિરેશનલ ટોયલેટ બનાવવા માટે આશરે રૂ.9.13 કરોડ (જીએસટી સિવાય)ના ભાવપત્રકો મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
પૂર્વ ઝોનમાં અત્યાધુનિક ટોયલેટ બનાવવા માટે વાર્ષિક ઇજારદાર યમુના ડેકોરેટર્સ દ્વારા અંદાજિત રૂ.4 કરોડની રકમ કરતાં 7.50 ટકા વધુ એટલે કે રૂ.4.30 કરોડ (જીએસટી સિવાય)નું ભાવપત્રક રજૂ કરાયું છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં કામગીરી માટે ઇજારદાર એચ.કે. રામાણી દ્વારા અંદાજિત રૂ.4.50 કરોડ કરતાં 7.50 ટકા વધુ એટલે કે રૂ.4.83 કરોડ (જીએસટી સિવાય)નું ભાવપત્રક રજૂ થયું છે.
મનપાની દરખાસ્ત મુજબ શહેરના 46 સ્થળોએ કુલ 452 સીટ ધરાવતા અત્યાધુનિક ટોયલેટ બનાવવાની યોજના છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 સસ્ટેનેબલ સેનિટેશન અંતર્ગત સિટી સેનિટેશન એક્શન પ્લાનના અનુસંધાને આ 46 સ્થળો માટે સરકાર સમક્ષ ગ્રાન્ટની રજૂઆત કરવામાં આવી હતી.
આ યોજના માટે કુલ રૂ.11.30 કરોડ, એટલે કે પ્રતિ સીટ રૂ.2.50 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. તેમાં કેન્દ્ર સરકારનો 26 ટકા અને રાજ્ય સરકારનો 16 ટકા ફાળો રહેશે, જ્યારે બાકીનો 59 ટકા ખર્ચ મનપાએ પોતાના સ્વભંડોળમાંથી કરવાનો રહેશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના ફાળા પૈકી પ્રથમ હપ્તા પેટે 25 ટકા લેખે રૂ.1.15 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે.
અત્યાધુનિક ટોયલેટના નિર્માણ બાદ આગામી પાંચ વર્ષ સુધી તેના સંચાલન અને નિભાવનો ખર્ચ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વભંડોળમાંથી કરવાનો રહેશે. હાલના તબક્કે પૂર્વ ઝોનમાં 12 અને પશ્ચિમ ઝોનમાં 14 અત્યાધુનિક ટોયલેટ બનાવવામાં આવશે.




