અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ યુનિ.ને બે કરોડના સુપર કોમ્પ્યુટરની ભેટ આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ એમ.એસ.યુનિવર્સિટીને સંશોધન માટે બે કરોડ રુપિયાના સુપર કોમ્પ્યુટરની ભેટ આપી છે.જેના કારણે યુનિવર્સિટી પાસે હવે ૧૧ સુપર કોમ્પ્યુટર થઈ ગયા છે.
યુનિવર્સિટીના રિસર્ચ સેલ અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વચ્ચે આ બાબતે વાતચીત ચાલતી હતી અને એ પછી યુનિવર્સિટીમાં ચાલી રહેલા સંશોધન અંગે અપાયેલી જાણકારી બાદ પીઆરએલ દ્વારા યુનિવર્સિટીને આ કોમ્પ્યુટર આપવાનો નિર્ણય લેવાયો હતો.
રિસર્ચ સેલના ડાયરેકટર પ્રો. પી કે ઝાનું કહેવું છે કે, પીઆરએલ પાસે આ સુપર કોમ્પ્યુટર ૨૦૧૫થી હતું અને હવે લેબોરેટરીએ નવું સુપર કોમ્પ્યુટર ખરીદયું છે.૨૦૧૫ના કોમ્પ્યુટરનો ઉપયોગ હવે એમ.એસ.યુનિવર્સિટી કરશે.આ કોમ્પ્યુટરની જે ક્ષમતા છે તે જોતા હાલમાં તેની કિંમત બે કરોડ રુપિયા જેટલી થવા જાય છે.
આ સુપર કોમ્પ્યુટરને યુનિવર્સિટીના સુપર કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.જેનાથી તમામ ફેકલ્ટીઓના સંશોધકોને તેનો લાભ મળશે.સંશોધન માટે અટપટી ગણતરીઓ કરવા માટે અને વર્ચ્યુઅલ એક્સપરિમેન્ટ કરવા માટે આ સુપર કોમ્પ્યુટર ઉપયોગી પૂરવાર થશે.પાંચ વર્ષ અગાઉ રાજ્ય સરકારે યુનિવર્સિટીને એક સુપર કોમ્પ્યુટર આપ્યું હતું.એ પછી આઈઆઈટી, મુંબઈ અને કેન્દ્ર સરકારના અનુસંધાન રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગને નવ સુપર કોમ્પ્યુટર આપવામાં આવ્યા હતા.આમ યુનિવર્સિટી હવે ૧૧ સુપર કોમ્પ્યુટરથી સજજ થઈ છે.
પ્રતિ સેકન્ડ ૫.૨ ટ્રિલિયન ગણતરીની ક્ષમતા
--સુપર કોમ્પ્યુટર ૬ નોડ એટલે કે ૬ ડિવિઝનમાં વહેંચાયેલું છે
--દરેક નોડમાં ૨.૩૦ ગીગાહર્ટઝની ક્ષમતા ધરાવતા બે પ્રોસેસર, કુલ ૨૪ સીપીયુ કોર અને ૨૫૬ જીબી રેમ છે
--દરેક નોડ પ્રતિ સેકન્ડ ૮૮૩ અબજ ગણતરીઓ કરી શકે છે.તમામ નોડની સંયુક્ત ગણતરી ક્ષમતા પ્રતિ સેકન્ડ ૫.૨ ટ્રિલિયન ગણતરી કરવાની છે.
--દરેક બ્લેડમાં ૧૪૪ સીપીયુ કોર અને ૧.૫ ટેરાબાઈટ રેમ ઉપલબ્ધ છે
--દરેક નોડમાં ૯૦૦ જીબીની હાર્ડ ડિસ્ક મેમરી છે
પીઆરએલ દ્વારા યુનિ.ની પસંદગી થઈ તે ગર્વની વાત છે
પીઆરએલ એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દેશની સૌથી શ્રેષ્ઠ સંશોધન કરતી સંસ્થાઓ પૈકીની એક છે.તેના આખા દેશની શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણ છે ત્યારે સુપર કોમ્પ્યુટર માટે એમ.એસ.યુનિવર્સિટીને પસંદ કરી તે યુનિવર્સિટી માટે પણ ગૌરવની વાત છે.આ સુપર કોમ્પ્યુટર ફિઝિકસ, કેમેસ્ટ્રી, મટિરિયલ સાયન્સ, કોમ્પ્યુટેશનલ મોડેલિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં સંશોધન કરતા સંશોધકો માટે ઘણું ઉપયોગી પૂરવાર થશે.યુનિવર્સિટી બહારના સંશોધકોને પણ તેનો ઉપયોગ કરવા દેવો કે નહીં તે અંગે વિચારણા ચાલી રહી છે.
પ્રો.પી.કે.ઝા, ડાયરેકટર, યુનિવર્સિટી રિસર્ચ સેલ




