આર્ટસ બાદ સાયન્સ ફેકલ્ટીમાં પણ નવરાત્રીમાં પરીક્ષા લેવા સામે વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી બાદ હવે સાયન્સ ફેકલ્ટીમાં પણ નવરાત્રી દરમિયાન પરીક્ષા લેવા સામે વિરોધનો સૂર ઉઠયો છે.સાયન્સ ફેકલ્ટીમાં એફવાયની ઈન્ટરનલ પરીક્ષાનો તા.૧૦ ઓકટોબરથી પ્રારંભ થવાનો છે.
જેની સામે આજે વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરો દ્વારા ડીન સામે વિરોધ નોંધાવાયો હતો.વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તા.૧૦ ઓકટોબરથી પરીક્ષા તો છે જ અને તેની સાથે સવારે ૮ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ ગરબા રમીને રાત્રે એક- બે વાગ્યે ઘરે પહોંચતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને સવારે વહેલા ઉઠીને પરીક્ષા આપવાનો વારો આવશે.સત્તાધીશો નવરાત્રી બાદ જ પરીક્ષા લે.
ફેકલ્ટી ડીને વિદ્યાર્થીઓને વિચારણા કરવાનું આશ્વાસન તો આપ્યું જ છે પણ આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓની માગણી બાદ પરીક્ષા પાછી ઠેલી હોવાથી અન્ય ફેકલ્ટીઓમાં પણ આ રીતે વિદ્યાર્થીઓ વિરોધ કરશે તેવો ડર સાચો પડયો છે.હવે પરીક્ષા કરતા નવરાત્રી વધારે મહત્વની છે તે પ્રકારની છાપ ઉભી થઈ રહી છે.જે યુનિવર્સિટીના શિક્ષણ માટે યોગ્ય નથી.કારણકે અન્ય તહેવારોમાં પણ હવે પરીક્ષાની તારીખો બદલવાની માગ થઈ શકે છે.યુનિવર્સિટીએ એમ પણ વર્ષમાં ચાર નિયમિત અને એ સિવાય એટીકેટીની પરીક્ષાઓ લેવાની હોય છે ત્યારે આવી માગણીઓને માની લેવામાં આવે તો પરીક્ષાનું ટાઈમ ટેબલ ખોરવાઈ શકે છે.હવે સાયન્સના સત્તાધીશો કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહે છે.




