Baroda

ઘરના ઓટલા પર બેઠેલા યુવકને ડોર ટુ ડોરના ટેમ્પા ચાલકે ટક્કર મારતા મોત

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના મકરપુરામાં કચરો લેવા ફરતી કોર્પોરેશનની ગાડીના ચાલકે ઘર પાસે ઓટલા પર બેઠેલા 31 વર્ષીય અનિલ ઠાકોરને અડફેટે લીધા હતા. ગાડી અથડાતા યુવક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, દારૂના આક્ષેપોનો પોલીસે ઇનકાર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરના ઓટલા પર બેઠેલા  યુવકને ડોર ટુ ડોરના ટેમ્પા ચાલકે ટક્કર મારતા મોત

ડોર ટુ ડોર ફરતી કચરો લેવા માટે ફરતી કોર્પોરેશનની ગાડીના ડ્રાઇવરે ઘર નજીક ઓટલા પર બેઠેલા યુવકને ગાડી અથાડી દીધી હતી. ઘર આંગણે બેઠેલો યુવક ઉછળીને રોડ પર પટકાતા ગંભીર ઇજા થતા મોત થયું છે. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મકરપુરા જશોદા કોલોનીમાં રહેતો અનિલ સોમાભાઇ ઠાકોર (ઉં.વ.૩૧) મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરે છે. આજે અનિલ નોકરી ગયો નહતો. બપોરે તે ઘરના ઓટલા પર બેઠો હતો. તે દરમિયાન પૂરઝડપે આવેલી ડોર ડોર ટુ નો થ્રી વ્હીલર ટેમ્પો તેના તરફ ધસી આવ્યો હતો. ઘરના ઓટલા પર બેઠેલા અનિલને તેણે અડફેટે લેતા અનિલ ઉછળીને રોડ પર પટકાયો હતો. થ્રી વ્હીલર ટેમ્પો પણ પલટી ગયો હતો. અનિલને મોંઢાના ભાગે ગંભીર ઇજા થતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.તે હોસ્પિટલમાં સર્જરી થઇ શકે તેમ નહીં હોવાથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, તેનું મોત થયું હતું. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેમ્પામાં દારૃ હતો અને ચાલક નશામાં હોવાના આક્ષેપ ઃ પોલીસનો ઇનકાર

અકસ્માતના પગલે લોકો સ્થળ પર ભેગા થઇ ગયા હતા.મૃતકના ભાઇએ આક્ષેપ કર્યો છે કે, ટેમ્પાનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો અને તેની ગાડીમાં દારૃ પણ હતો. પરંતુ, મકરપુરા પોલીસે આ વાતનો ઇનકાર કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે,ડ્રાઇવર નશાની હાલતમાં નહતો. તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ છે.