Baroda

કોર્પોરેશને ખોદેલા ખાડાએ ફાયર બિગ્રેડનો રસ્તો રોક્યો

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
વુડા સર્કલ પાસે જલારામનગરમાં રાત્રે 8 વાગ્યે સહયોગ નગર ઝૂંપડપટ્ટીમાં કચરામાં આગ લાગી. રસ્તા પર ખોદકામ હોવાથી ફાયરબ્રિગેડનું વાહન ઘટનાસ્થળે પહોંચી શક્યું નહીં. 20 મિનિટ બાદ નાની ગાડી બોલાવી આગ બુઝાવવામાં આવી. છ મહિનામાં પાંચમી વખત ખોદકામ થયું છે, જે તંત્રની બેદરકારી છતી કરે છે. સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્પોરેશને ખોદેલા ખાડાએ ફાયર બિગ્રેડનો રસ્તો રોક્યો

વુડા સર્કલ નજીક આવેલ જલારામનગર ખાતે આગ લાગવાની ઘટનામાં રસ્તા પર થયેલા ખોદકામના કારણે ફાયરબ્રિગેડનું વાહન ઘટના સ્થળે પહોંચી નહીં શકતા તંત્રની બેદરકારી છતી થઈ છે.

આજે રાત્રે ૮ વાગ્યે સહયોગ નગર ઝૂંપડપટ્ટીમાં કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ અયોધ્યા નગર પાસે ખાડો ખોદેલો હોવાથી ફાયર બ્રિગેડની ગાડી આગળ વધી શકી નહોતી. ઘટનાસ્થળે પહોંચવા માટે બીજો કોઈ માર્ગ ઉપલબ્ધ ન થતાં ફાયર કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અંતે ૨૦ મિનિટ પછી નાની ગાડી બોલાવીને આગ ઓલવાઈ હતી.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, મુખ્ય માર્ગ પર એક જ સ્થળે વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ થતાં રસ્તો ખોદવાની નોબત આવે છે. છ મહિનામાં પાંચમી વખત ખોદકામ કરાયું છે, પરંતુ કાયમી ઉકેલ લાવતા નથી.  સાત સોસાયટીઓ માટે એકમાત્ર રસ્તો હોવાથી સ્થાનિકોને રોજિંદી અવરજવરમાં હાલાકી વેઠવી પડી રહી છે.

વધુમાં ઉમેર્યું કે હાલ કચરામાં આગ લાગી હતી, પરંતુ જો કોઈ મકાનમાં આગ લાગી હોત અથવા કોઈ ગંભીર કટોકટી સર્જાઈ હોત તો ફાયર બ્રિગેડની ગાડી સમયસર પહોંચી શકી હોત કે નહીં? આવી સ્થિતિમાં જાનમાલનું નુકસાન થવાની શક્યતાને નકારી શકાય નહીં. આ અંગે જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા જોઈએ, એમ નાગરિકોએ જણાવ્યું છે.