સ્વચ્છ ભારત મિશનના કામોમાં ટકાવારી શિનોર તા.પ.ના મહિલા એન્જિનિયર વતી લાંચ લેતા તેનો મિત્ર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં થયેલા કામોના બિલો પાસ કરવા માટે તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશનના મહિલા એન્જિનિયર વતી રૃા.૨૫ હજાર લાંચની રકમ લેવા ગયેલા તેના મિત્રને વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી એસીબીએ ઝડપી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શિનોર તાલુકાના વિવિધ ગામોમાં સિવિલ કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યા હતાં. આ કામોના બિલ શિનોર તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આઉટસોર્સથી કામ કરતા મહિલા એન્જિનિયર નીધિ રમેશ તડવી (રહે.ડભોઇ, મૂળ વાડજ ગામ) સમક્ષ કોન્ટ્રાક્ટરે રજૂ કર્યા હતાં.
મહિલા એન્જિનિયરે બિલ પાસ કરવા માટે પોતાના ૯ ટકા લેખે રૃા.૨૫ હજાર લાંચની માગણી કરી હતી. ટકાવારીની માગણી એન્જિનિયર દ્વારા વારંવાર કરાતી હતી. લાંચની માગણીથી કંટાળી જઇ કોન્ટ્રાક્ટરે આખરે વડોદરા એસીબીમાં ફરિયાદ કરી હતી જેના પગલે પીઆઇ એ.એન. પ્રજાપતિએ સ્ટાફના માણસો સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
કોન્ટ્રાક્ટરે લાચની રકમ માટે એન્જિનિયરને ફોન કરતા તેમણે હાલ હું કરજણ છું મારો મિત્ર ગોરવા બાજુ નોકરી કરે છે તેને હું કહી દઉં છું તેને પૈસા આપી દેજો તેમ કહ્યું હતું. દરમિયાન એન્જિનિયરના મિત્ર આશુતોષ ઉમાકાંત પાઠક (રહે.અર્બન રેસિડેન્સી, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયારોડ)ને ફોન કરતા તેણે ફતેગંજમાં સેફરોન ટાવર સામે આવવાનું કહેતા કોન્ટ્રાક્ટર સ્થળ પર પહોંચ્યો હતો અને તેને લાંચની રકમ લીધા બાદ એન્જિનિયર સાથે વાત કરી પૈસા આવી ગયા છે તેમ કહેતાં જ એસીબીની ટીમે આશુતોષ પાઠકને રંગે હાથ ઝડપી પાડયો હતો.




