વૃધ્ધા ટ્રેન નીચે આવી જતાં રહી ગઈ કૂલીની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન પર આજે ઢળતી બપોરે ૪ઃ૪૫ વાગ્યે પ્લેટફોર્મ નંબર-૧ પરથી પસાર થતી શતાબ્દી એક્સપ્રેસમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રેન ઉપડવા લાગતાં પ્લેટફોર્મ પર ઊભેલી માતા-પુત્રીએ ટ્રેન પકડવા દોટ મૂકી હતી. આ દરમિયાન પુત્રી દોડતી ટ્રેનમાં ચઢી ગઈ હતી, જ્યારે માતા ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે વીઆઈપી લોન્જ પાસે પ્લેટફોર્મ પર પટકાઈ હતી.
વૃધ્ધા દોડતી ટ્રેનની નજીક પટકાતાં હાજર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે નજીકમાંથી પસાર થઈ રહેલા એક કૂલીએ સમયસૂચકતા દાખવી વૃદ્ધાને સમયસર ખેંચી લેતાં તેમનો જીવ બચી ગયો હતો. આ દરમિયાન વૃધ્ધાએ ટ્રેન રોકવાની બૂમો પાડતાં જણાવ્યું હતું કે 'મારી પાસે પરિવારના પાસપોર્ટ છે, ટ્રેન ઊભી રખાવો' પ્લેટફોર્મ પર ભારે અફરાતફરી સર્જાતાં આખરે ટ્રેન રોકવાની ફરજ પડી હતી. ટ્રેન ઊભી રહેતાં વૃધ્ધા કોચમાં ચડી હતી અને માતા સલામત હોવાનું જાણતાં જ પુત્રી, માતાને ભેટી પડી હતી.
આમ, આજે વડોદરા રેલવે સ્ટેશન પર દોડતી ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી. કૂલીની સમયસૂચકતાના કારણે વૃદ્ધાનો જીવ બચ્યો હતો. મહત્ત્વનું છે કે દિવાળી અને છઠપૂજાના તહેવારોને પગલે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ઉતાવળમાં દોડતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ મુસાફરોના જીવ માટે જોખમી બની શકે છે ત્યારે રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા અને તકેદારી માટે વધુ સાવચેતી રાખવાની જરૃરિયાત ઊભી થઈ છે.




