Baroda

વાઘોડિયા ચોકડીથી ૨.૬ કિ.મી. લાંબા રોડને 'મોડેલ રોડ' તરીકે ડેવલોપ કરાશે

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રિંગ રોડના બીજા તબક્કાની તૈયારીઓ વચ્ચે વુડા દ્વારા વાઘોડિયા ચોકડીથી 2.60 કિલોમીટરનો પ્રથમ મોડેલ રોડ બનાવાશે. ₹47 કરોડના ખર્ચે 18 મીટર પહોળો આ 8 લેન RCC રોડ અમદાવાદ અને સુરતની જેમ વોક-વે, પાર્કિંગ, સર્વિસ રોડ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી સુવિધાઓથી સજ્જ હશે. દિવાળી સુધીમાં કામ શરૂ થવાની શક્યતા છે, જોકે દબાણો દૂર કરવા પડકારજનક રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા ચોકડીથી ૨.૬ કિ.મી. લાંબા રોડને 'મોડેલ રોડ' તરીકે ડેવલોપ કરાશે

વડોદરાની ફરતે રિંગ રોડ બનાવવાની સાથે વાઘોડિયાચોકડીથી ૨.૬૦ કિલોમીટર સુધીનો રોડ વુડા દ્વારા મોડેલ રોડ બનાવવામાં આવશે જેમાં વોક વે, પાર્કિગ, સર્વિસરોડ સહિતની સુવિદ્યાઓ ડેવલોપ કરાશે.
ઉલ્લેખનીય છે કે હાલોલ-વડોદરા રોડ તેમજ નેશનલ હાઇવે પરનો ટ્રાફિક હળવો કરવા માટે રિંગ રોડના બીજા તબક્કાના કામ માટેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આ રોડની સાથે સાથે હવે વડોદરાનો પ્રથમ મોડેલ રોડ પણ બનાવવાની તૈયારીઓ હાથ ધરાઇ છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા ચોકડીથી ખટંબા પાસે નીકળતા રિંગ રોડથી થોડે આગળ કુલ ૨.૬૦ કિલોમીટર લાંબા રોડને મોડેલ રોડ તરીકે ડેવલોપ કરાશે.
આશરે રૃા.૪૭ કરોડના ખર્ચે તૈયાર થનારા આ રોડ માટે વુડા દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે. આ રોડ ૧૮ મીટર પહોળો હશે અને તેમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં એરપોર્ટ રોડ તેમજ સુરતમાં ડુમ્મસરોડ જેવો જ મોડેલ રોડ બનાવવા માટે વુડા સજ્જ બન્યું છે. ટેન્ડરિંગની પ્રોસેસ પૂર્ણ થયા બાદ દિવાળી સુધીમાં કામ શરૃ થવાની શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વાઘોડિયાચોકડીથી ૨.૬ કિલોમીટર લાંબો આ રોડ ૮ લેન આરસીસી હશે જેમાં સેન્ટ્રલ લાઇન, પાર્કિગ વ્યવસ્થા, વોક વે પણ હશે. આ ઉપરાંત બંને સાઇડ પર સર્વિસ રોડ જે ડામરનો રહેશે. આ રોડ પર સ્પોર્ટ્સ એક્ટિવિટિ માટે પણ સગવડ ઊભી કરવામાં આવી છે. એટલું જ નહી પરંતુ રેઇન વોટર ડિસ્પેચની સુવિદ્યા પણ આ મોડેલ રોડ માટે રહેશે જ્યાં વરસાદી પાણી નહી ભરાય.

રોડની બંને બાજુના સંખ્યાબંધ દબાણો દૂર કરવાનો પડકાર

વાઘોડિયા તાલુકામાં યુનિવસિટીઓ તેમજ જીઆઇડીસી હોવાથી વડોદરા-વાઘોડિયારોડ પર ટ્રાફિક વધી ગયો છે જેથી આ રોડને ડેવલોપ કરવો જરૃરી છે પરંતુ આ રોડ પરના દબાણો મોટો અવરોધ બને તેવી શક્યતાઓ પણ છે.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયાચોકડીથી છેક વાઘોડિયા સુધીના ફોર લેન રોડ પર રોડની બંને બાજુએ નાના મોટા અનેક દબાણો ઊભા થઇ ગયા છે. તેવા સંજોગોમાં વાઘોડિયાચોકડીથી ૨.૬ કિલોમીટર સુધીના રોડને મોડેલ રોડ તરીકે વિકસાવવાનું સ્વપ્ન દબાણો કરનારા પૂરુ કરવા દેશે કે નહી તે અંગે પ્રશ્નો સર્જાયા છે.
વાઘોડિયાચોકડી પાસે જ મોટાપાયે દબાણો છે અને ત્યારબાદ આગળ વધતા રોડની બંને બાજુ લારીઓ, ગેરકાયદે પાકા બાંધકામ સહિતના દબાણો છે. સૌપ્રથમ આ દબાણો દૂર કરવા એક મોટો પડકાર બની રહેશે. જો દબાણો દૂર કરાશે તો જ મોડેલ રોડનું સ્વપ્ન સાર્થક થશે.