યુનિ.હોસ્ટેલના વિદ્યાર્થીઓની 100 માર્કસની સ્વચ્છતાની પરીક્ષા લેવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલના સત્તાધીશોએ હોસ્ટેલ કેમ્પસમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે માય હોસ્ટેલ, માય પ્રાઈડ, ક્લીન હોસ્ટેલ કેમ્પેઈન શરુ કર્યું છે..જેના ભાગરુપે બે કેટેગરીમાં સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરાયું છે.જે તા.૨૫ સપ્ટેમ્બરથી એક ઓકટોબર દરમિયાન યોજાઈ રહી છે.
આ સ્પર્ધામાં બે કેટેગરી રાખવામાં આવી છે.જેમાં સ્વચ્છ હોસ્ટેલ અને સ્વચ્છ રુમનો સમાવેશ થાય છે.પહેલી કેટેગરીમાં તમામ હોસ્ટેલ ભાગ લેશે અને બીજી કેટેગરીમાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે ભાગ લઈ શકે છે.ચીફ વોર્ડન ડો.વિજય પરમારે કહ્યું હતું કે, બંને કેટેગરીમાં ૧૦૦-૧૦૦ માર્કસ રાખવામાં આવ્યા છે.સ્વચ્છ રુમ કેટેગરીમાં જે તે રુમમાં રહેતા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.જેમની જવાબદારી પોતાના રુમમાં સ્વચ્છતા રાખવાની છે.પહેલી કેટેગરીમાં રુમની અને બીજી કેટેગરીમાં હોસ્ટેલની ઓવરઓલ સ્વચ્છતાને ધ્યાનમાં લેવાશે.
તા.૧ ઓકટોબરે સ્પર્ધા પૂરી થયા બાદ બંને કેટેગરીમાં એવોર્ડ આપવા માટે હોમ સાયન્સ ફેકલ્ટીના ઓડિટોરિયમમાં એક સમારોહનું પણ આયોજન કરવામાં આવશે.
કઈ કઈ બાબતોનું મૂલ્યાંકન કરાશે
સ્વચ્છ રુમ કેટેગરી
--રુમ, વિદ્યાર્થીઓની પોતાની ચોખ્ખાઈ
--વસ્તુઓની ગોઠવણી, ડસ્ટબીન મેનેજમેન્ટ,કોરિડોર અને એન્ટ્રન્સની સ્વચ્છતા
--રુમમાં સ્પેસ મેનેજમેન્ટ
--વેન્ટિલેશન અને લાઈટિંગ
--સેફટી ડિસિપ્લિન
સ્વચ્છ હોસ્ટેલ કેટેગરી
--વોશરુમની ચોખ્ખાઈ
--વિદ્યાર્થીઓ દ્વારા વોશરુમનો ઉપયોગ
--કચરાના નિકાલનું મેનેજમેન્ટ
--કોમનરુમની સ્વચ્છતા
--પાણીનો ઉપયોગ




