પોર જીઆઇડીસીમાં રજાનો લાભ મેળવી ઉત્પાદન 'ચાલીસા ફૂડ્સ' નામની ફેક્ટરીમાંથી ૮૧૩૬ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લામાં પોર જીઆઈડીસીમાં કાર્યરત મે.ચાલીસા ફુડ્સ નામની ખાદ્યચીજોનું ઉત્પાદન કરતી પેઢી પર રવિવારની મોડી સાંજે દરોડો પાડીને કુલ ૮,૧૩૬ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે, જેની અંદાજિત બજાર કિંમત રૃા.૪૨ લાખ જેટલી થાય છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સામાજિક કાર્યકર દ્વારા મળેલી ચોક્કસ ફરિયાદ અને બાતમીના આધારે રવિવારે સાંજના સમયે પોર જી.આઈ.ડી.સી. સ્થિત આ ઉત્પાદન મથકે તપાસ હાથ ધરવામાં આવી હતી. રવિવારના સરકારી રજાના દિવસનો લાભ ઉઠાવીને પેઢીના જવાબદારો દ્વારા મોટા પાયે શંકાસ્પદ ઘી પ્રોસેસ કરી, પેકિંગ કરી દિવાળીના તહેવારો નિમિત્તે માર્કેટમાં વહેંચી દેવાનો ગભત ઇરાદો હતો, જેને નિષ્ફળ બનાવ્યો છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીએ જણાવ્યું કે, પેઢીના જવાબદાર મહેશભાઈ કાન્તિભાઈ ઠેસિયાની પ્રત્યક્ષ હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન સ્ટોરેજ ટેન્કમાં રાખેલો અને પેકિંગ થવાની તૈયારીમાં જ હતો તેવો ૫,૨૦૦ લીટર/કિલોગ્રામ (અંદાજિત કિંમત રૃા.૨૬ લાખ) શંકાસ્પદ ઘીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શુદ્ધ ન જણાઈ આવતા તેને જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, તહેવારોના દિવસોમાં અલગ-અલગ બ્રાન્ડ નેમ હેઠળ માર્કેટમાં સપ્લાય કરવા માટે પહેલેથી જ તૈયાર કરી રાખેલો વિવિધ સાઈઝના પેકિંગવાળો અન્ય ૨,૯૩૬ કિલોગ્રામ (અંદાજિત કિંમત રૃા.૧૬ લાખ) ઘીનો જથ્થો પણ સ્થળ પર જ સ્થગિત કરી દેવાયો છે. આ શંકાસ્પદ જથ્થામાંથી નિયમાનુસાર અલગ-અલગ કુલ ચાર નમૂનાઓ મેળવીને તેને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારની પ્રમાણિત ફૂડ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
લેબ રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબની કડક વહીવટી અને ફોજદારી કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. ત્યાં સુધી ફેક્ટરીમાં ઉપલબ્ધ તમામ ૮,૧૩૬ કિલોગ્રામ જથ્થાને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે.




