ગુગલ મેપથી લોકેશન શોધી ચોરી કરવા જતી ટોળકીના ૪ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુગલ મેપથી સોલાર પ્લાન્ટના લોકેશન શોધીને ચોરી કરવા જતી ગેંગના ચાર સભ્યોને વાઘોડિયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ ફરાર થઇ જતા તેઓની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી આજવા ખાતે અતાપી થઇ હાલોલ તરફ એક ઇકો ગાડીમાં ચોરીનો સામાન તેમજ તેની પાછળ એક્ટિવા લઇને કુલ ચાર શખ્સો જઇ રહ્યા છે તેવી માહિતીના આધારે પોલીસે રવાલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. માહિતી મુજબની ગાડી આવતા તેને રોકી ઇકોમાં તપાસ કરતા થેલાઓમાં સોલાર પેનલના કોપરના વાયરો મળ્યા હતાં. આ વાયરો ચોરીના હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ઇકો તેમજ એક્ટિવા સાથે ઝડપાયેલા શખ્સોના નામ પૂછતા શૈલેષ અરવિંદ તડવી (રહે.સુભાષચોક, કિશનવાડી), જયેશ ઉર્ફે સંજય ભુરાભાઇ સોલંકી (રહે.ટુવા ગામ, તા.ગોધરા), અરૃણકુમાર કલ્પેશભાઇ નાયક (રહે.ઓમકારપુરા, સોખડારોડ, છાણી) અને સુનિલ મધુભાઇ જાદવ (રહે.બાસ્કા, તા.હાલોલ) જાણવા મળ્યું હતું. ચોરીના સામાન અંગે પૂછપરછ કરતાં ચારેય શખ્સોએ કબૂલાત કરી હતી કે વાઘોડિયા તાલુકાના કછોટા ગામની પાછળના સોલાર પ્લાન્ટમાંથી કોપરના વાયરોની ચોરી કરી હતી.
પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે ઝડપાયેલા ચારેય શખ્સો હાઇટેક લોકેશન શોધીને ચોરી કરતા હતાં. ગુગલ મેપ પર સોલાર પેનલ ખુલ્લી જગ્યામાં જ્યાં વધારે લાગી હોય તે લોકેશન સર્ચ કરતા હતાં અને બાદમાં સ્થળ પર રેકી કર્યા બાદ પોતાનું વાહન લઇને જતા અને વાયરો ખેંચીને ચોરી કરતા હતાં. પોલીસે તેઓની પાસેથી ૪૦૦ કિલો વાયરો સહિત કુલ રૃા.૧૩.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તેમના અન્ય ત્રણ સાથીદારોને શોધવાની કવાયત હાથ ધરી છે.




