હરણી બોટ કાંડને 33 મહિના પૂર્ણ : બાળકોને શ્રદ્ધાંજલિ આપી, ‘તંત્રના પાપના કારણે અમારા ઘરનો દીવો ઓલવાયો’ પીડિત પરિવારોનો આક્રંદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Harni Lake Tragedy : વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલા કરૂણ બોટ કાંડને 33 મહિના પૂર્ણ થતાં પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીએ પશુપતિનાથ મહાદેવ મંદિરે આરાધના કરી હતી. આ દરમિયાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. પીડિત પરિવારોએ ન્યાયની માગ સાથે લડત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો.
એક પીડિત પરિવારે જણાવ્યું હતું કે, “બાળક ગુમાવ્યાને 33 મહિના થઈ ગયા છે. તંત્રના પાપના કારણે અમારા ઘરનો દીવો ઓલવી નાખવામાં આવ્યો છે. અત્યાર સુધી તંત્ર દ્વારા બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી નથી. માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત અધૂરી મૂકીશું નહીં.” પરિવાર દ્વારા ભ્રષ્ટાચારના કારણે બાળકો ગુમાવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીએ જણાવ્યું હતું કે, “દુઃખી માતાઓ ન્યાય માટે ઝંખી રહી છે. નાગરિકો ન્યાયની લડતમાં અમારી સાથે જોડાય. આજે બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.” તેમણે ઉમેર્યું કે સભામાં માગણી કરવામાં આવશે કે નાગરિકો દરરોજ એક દીપ પ્રગટાવે અને પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરી, 2024ના રોજ હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં પ્રવાસે ગયેલા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટનાના 33 મહિના બાદ પણ પીડિત પરિવારો ન્યાયની માગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.




