ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તમારે ઘર બેઠા કામ કરવું છે, તેવું કહી ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લેનાર ગઠિયાઓ સામે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બિલ કેનાલ રોડ પર ધ માર્ક સોસાયટીમાં રહેતા રાજેશ્વરીબેન રાહુલભાઇ દાનવલે ગોત્રી રોડ પર આવેલી એક કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૯ મી માર્ચે હું મારા ઘરે હતી. તે સમયે તમારે ઘર બેઠા કામ કરવું છે, તેવી જાહેરાત જોઇ હતી. તેમાં મેં રજિસ્ટ્રેશન કરાવ્યંુ હતું. ત્યારબાદ એક લિન્ક આવી હતી. તે ઓપન કરતા તેમાં મને ગૂગલ રિવ્યૂ ટાસ્ક બાબતે સમજાવવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ બે રાઉન્ડ રેસ્ટોરન્ટ રિવ્યૂ માટે આપ્યા હતા. ત્રીજા રાઉન્ડથી પૈસા રોકાણ બાબતનું હતું. તેમણે લિન્કમાં કઇ રીતે કામ કરવાનું,તે બાબતે સમજાવ્યું હતું. તે લિન્કમાં કમિશન મળશે, તેમાં જેટલું પણ કમિશન મળશે, તે તમારા વર્કિંગ એકાઉન્ટમાં જમા થઇ જશે, તે તમે વિડ્રો પણ કરી શકશો. મેં તા.૩૧-૦૩-૨૦૨૬ ના રોજ ૮૦૦ રૃપિયા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને તે લિન્કમાં ઓર્ડરના રિવ્યૂ સબમિટ કરતા મને પ્રોફિટ થયો હતો. તે લિંકમાંથી વિડ્રો કરતા ૧,૦૫૦ રૃપિયા મારા એકાઉન્ટમાં જમા થયા હતા. જેથી, મને પૂરેપૂરો ભરોસો આવી ગયો હતો.
ત્યારબાદ ટાસ્ક પૂરો કરવા માટે મેં ૧.૯૦ લાખ રૃપિયા તેઓએ જણાવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ, મને પ્રોફિટ નહીં આપી છેતરપિંડી કરી હતી.




