ડભોઈ-બોડેલી રોડને ફોર લેન બનાવવા 16 હેક્ટર જમીન સંપાદન કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા જિલ્લાના ડભોઈ-બોડેલી રાજ્ય ધોરીમાર્ગ (એસ.એચ.-11)ને ચાર માર્ગીય બનાવવાની કામગીરી માટે રાજ્ય સરકારે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરી છે. આ માર્ગ પર કિલોમીટર 29.80થી 45.00 સુધીના રસ્તાને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટ માટે ડભોઈ તાલુકાના સીમળીયા ગામની કુલ 16 હેક્ટર 75 ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવશે. આ અંગે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ, આ પ્રોજેક્ટ જાહેર હેતુ અને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે હાથ ધરવામાં આવી રહ્યો છે. જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શકતાના અધિકાર અધિનિયમ-2013 હેઠળ જમીન સંપાદન કરવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ગુજરાત સુધારા અધિનિયમ-2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સરકારે સંપાદિત થનારી જમીનને અધિનિયમના પ્રકરણ-2 અને 3ની જોગવાઈઓમાંથી મુક્તિ આપી છે. આ જોગવાઈઓમાં સામાજિક અસરના અભ્યાસ અને ખાદ્ય સુરક્ષા સંબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે.
હવે આ જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધશે અને ડભોઈ-બોડેલી માર્ગને ફોર લેન બનાવવાના પ્રોજેક્ટ માટે જમીન ઉપલબ્ધ કરાવવાનો માર્ગ મોકળો થશે.




