Baroda

પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી 11.855 કિલો ગાંજો બિનવારસી મળી આવ્યો

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેની ANW અને SOGએ 'મિશન સેફ સ્ટેશન' હેઠળ સંયુક્ત ચેકિંગ કરતા પુરી-અમદાવાદ ટ્રેનમાંથી 11.855 કિલો ગાંજો ઝડપ્યો. વડોદરા નજીક વરણામા સ્ટેશન પાસે ટ્રેનના જનરલ કોચમાંથી રૂ. 5,92,750ની કિંમતનો ગાંજો બિનવારસી મળ્યો હતો. અજાણ્યો શખ્સ પોલીસથી બચવા ફરાર થયો. રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી 11.855 કિલો ગાંજો બિનવારસી મળી આવ્યો

Western Railways : પશ્ચિમ રેલવેની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા 'મિશન સેફ સ્ટેશન' અંતર્ગત હાથ ધરવામાં આવેલા સંયુક્ત ચેકિંગ દરમિયાન પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાંથી 11.855 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.5,92,750ની કિંમતનો ગાંજો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવે પોલીસના ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક કે.એમ.ડામોર તથા પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીની સૂચનાથી આંતરરાજ્ય સ્તરે ટ્રેનો મારફતે નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ANWની ટીમ નંદુરબાર રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 20861 અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
દરમિયાન સવારે 7:10 વાગ્યે ટ્રેન વરણામા રેલવે સ્ટેશન પસાર થયા બાદ એન્જિન તરફના ભાગે આવેલા બે જનરલ કોચ વચ્ચેના કોરિડોરમાંથી મરૂન અને વાદળી રંગનાં બે શંકાસ્પદ બેગ મળી આવ્યાં હતા. તપાસ કરતાં બેગમાંથી કુલ 11.855 કિલો ગાંજો મળી આવ્યો હતો. અજાણ્યો શખસ પોલીસના હાથે ઝડપાઈ જવાના ડરે બેગ બિનવારસી મૂકીને ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
ANWના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રઘુભાઈ રાજાભાઈ આલની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C), 20(B)(I)(B) હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. હવે આ જથ્થો ટ્રેનમાં કોણ અને ક્યાંથી લાવ્યું હતું તેમજ તેની હેરાફેરી પાછળ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.