Updated: Sep 2nd, 2022
- મહિલાના પતિએ થરાદ પોલીસ મથકે ધરાધરા ગામના દેવાજી રમેશજી ઠાકોર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી
થરાદ, તા. 02 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં ગઈકાલે બાળકો સાથે મહિલાએ ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. એની જાણ થતાં જ સ્થાનિકે નગરપાલિકાના તરવૈયા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારે તરત જ પાલિકાના તરવૈયા અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગઈકાલે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ ત્રણ બાળકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાળકો સાથે માતાએ પણ ઝંપલાવ્યું હોવાની વાત લોકો દ્વારા સામે આવી હતી જેને પગલે ફાયર ટીમે તપાસ ચાલુ રાખી હતી. આ તપાસના બીજા દિવસે એટલે કે, તારીખ 2-9-2022ના રોજ માતા સહિત તેના પ્રેમીનો મૃતદેહ દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો છે.
થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં ગઈકાલે ત્રણ બાળક સાથે મહિલાએ ઝંપલાવ્યું હોવાની જાણ કેનાલ પરના લોકોએ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતાં પાલિકા ફાયર ટીમ અને થરાદના PI આર એસ દેસાઈ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે સ્થળ પરથી મળેલા બે મોબાઈલ 60 રૂપિયા પોલીસે જપ્ત કર્યા હતા. તરવૈયા સુલતાન મીર અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ સાંજે 6:00 વાગ્યે વધુ એક બાળકનો મૃતદેહ થોડે દૂર તરતો મળી આવ્યો હતો. દેથળી ગામની મહિલાના પતિને જાણવા મળ્યું હતું કે, વાવ તાલુકાના ધરાધરા ગામના દેવાજી રમેશજી ઠાકોર સાથે પ્રેમસંબંધ હતો. તેથી મહિલાના પતિએ થરાદ પોલીસ મથકે ધરાધરા ગામના દેવાજી રમેશજી ઠાકોર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
વધુ વાંચો: થરાદની મુખ્ય કેનાલમાં ત્રણ નાના બાળકો સહિત 5 લોકોનો આપઘાત
ગઈકાલે ત્રણ બાળકના મૃતદેહ મળ્યા બાદ તારીખ 2-9-2022ના વહેલી સવારે 2 કિમી દૂર જાદલા ગામની કેનાલમાંથી બંને પ્રેમી યુગલોના મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળ્યા હતા. પાલિકાના તરવૈયાએ સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.