Banaskantha

અંબાજીમાં નવા રેલવે સ્ટેશનનું 3 વર્ષમાં માત્ર 13% કામ! યાત્રિકોએ હજુ 3-4 વર્ષ રાહ જોવી પડશે

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
બનાસકાંઠાના અંબાજીમાં નવા રેલવે સ્ટેશનનું કામ ધીમું છે. ₹174.6 કરોડના ખર્ચે બની રહેલા આ સ્ટેશનનું માત્ર 13% કામ થયું છે. જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થવાનો લક્ષ્યાંક હોવા છતાં, ભક્તોને રેલ કનેક્ટિવિટી માટે વધુ 2-3 વર્ષ રાહ જોવી પડશે. તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી બ્રોડગેજ લાઇનનું 45% કામ પૂરું થયું છે. ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ મેમુ ટ્રેન દોડાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અંબાજીમાં નવા રેલવે સ્ટેશનનું 3 વર્ષમાં માત્ર 13% કામ! યાત્રિકોએ હજુ 3-4 વર્ષ રાહ જોવી પડશે

Ambaji Railway Station: ભાદરવી પૂનમનો અંબાજી ખાતે યોજાતા મેળામાં ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા, બસ કે ખાનગી વાહનો મારફતે માતાજીના દર્શન માટે અંબાજી પહોંચતા હોય છે. આ ભક્તજનોને બસ ઉપરાંત રેલવે સેવાનો પણ લાભ મળે તે માટે સરકાર દ્વારા નવી રેલવે લાઈન સાથે અંબાજી સ્ટેશનના નિર્માણ કામને મંજૂરી આપી છેલ્લા ત્રણેક વર્ષથી કામગીરી શરુ કરાઈ છે. જોકે, રેલવેના રિપોર્ટ પ્રમાણે ધીમી ગતિએ ચાલતી કામગીરીને જોતા આગામી 3-4 વર્ષ સુધી ભક્તોને નવી રેલ કનેક્ટિવિટી મળવી મુશ્કેલ છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ સુધી રેલ માર્ગે પહોંચવા માટે યાત્રિકોએ હજી 3-4 વર્ષ સુધી રાહ જોવી પડશે

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી યાત્રાધામ ખાતે નવા રેલવે સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આશરે 174.6 કરોડ રૂપિયાના ખર્ચે નવેમ્બર-2023થી મંજૂરી મળ્યા બાદ અંબાજી સ્ટેશનની કામગીરી શરૂ કરાઈ હતી. અને તેને જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનો પણ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં નોર્થ વેસ્ટ રેલવે દ્વારા જારી કરેલા છેલ્લા રિપોર્ટ પ્રમાણે સ્ટેશન નિર્માણનું કામ અત્યાર સુધીમાં માત્ર 13 ટકા જ કામ પૂર્ણ થયું છે. જેને લઈ આગામી જાન્યુઆરી 2027માં બાકીનું 87 ટકા કામ પૂરું થવાની શક્યતા નહિશ્વત જોવા મળે છે. માટે નિયમિત અને વાર-તહેવારે અંબાજી આવતા-જતાં ભક્તો અને મુલાકાતીઓને નવી રેલવે કનેક્ટિવિટી માટે વધુ બે થી ત્રણ વર્ષ સુધી રાહ જોવાની નોબત આવી શકે છે. અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું હોવા છતાં કામગીરી પૂર્ણ થયા બાદ સ્ટેશનનો વહીવટ નોર્થ વેસ્ટર્ન રેલવેના અજમેર ડિવિઝન હેઠળ રહેશે.

તારંગા હિલ- અંબાજી-આબુ રોડ નવી બ્રોડગેજ લાઈનનું કામ ૪૫ ટકા પૂર્ણ

ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં છેલ્લે જાહેર કરેલા રિપોર્ટમાં જુલાઈ 2022થી સરકારની મંજૂરી બાદ શરૂ કરાયેલા તારંગા હિલ- અંબાજી- આબુ રોડ વચ્ચે 116.6 કિ.મી.ની નવી બ્રોડગેજ રેલવે લાઈનનું 45 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને આ પ્રોજેક્ટને જુલાઈ 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ભાદરવી પૂનમના મેળાને લઈ અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ મેમુ ટ્રેન દોડાવાશે

ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન 19 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી નિયમિત ફેરાઓ મારશે. જેમાં ટ્રેન નં.09405 અસારવા-ખેડબ્રહ્મા મેમુ દરરોજ સવારે 09.35 કલાકે અસારવાથી ઉપડી નરોડા, હિંમતનગર અને વડાલી થઈને બપોરે 12.10 કલાકે ખેડબ્રહ્મા પહોંચશે. તેવી જ રીતે પરત આવતી ટ્રેન નં.09406 બપોરના 15.35 કલાકે ખેડબ્રહ્માથી ઉપડીને સાંજે 18.10 કલાકે અસારવા ખાતે પહોંચશે. ભાદરવી પૂનમના મેળા માટે શરૂ કરાયેલી વિશેષ મેમુ ટ્રેન અનરિઝર્વ્ડ રહેશે.