Banaskantha

અંબાજીમાં રેલવે સેવા: મંદિર જેવું બનશે રેલવે સ્ટેશન, તારંગાહિલ-આબુરોડ 117 KM લાંબી લાઇન પર ટનલનું કામ પૂર્ણતાના આરે

By GS Team
19 Oct 20263 mins read
TukuTouch Logo
અંબાજી રેલવે સ્ટેશનનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. 3,050 કરોડના ખર્ચે 117 કિમીની તારંગાહિલ-અંબાજી-આબુ રોડ રેલવે લાઇનનું કામ પ્રગતિમાં છે. અંબાજી સ્ટેશન મા અંબાના મંદિરની થીમ પર બનશે અને એરપોર્ટ જેવી સુવિધાઓ હશે. અહીં 100 રૂમની બજેટ હોટલ પણ બનશે. સૌથી લાંબી ટનલનું ખોદકામ પૂર્ણતાના આરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અંબાજીમાં રેલવે સેવા: મંદિર જેવું બનશે રેલવે સ્ટેશન, તારંગાહિલ-આબુરોડ 117 KM લાંબી લાઇન પર ટનલનું કામ પૂર્ણતાના આરે

Ambaji Railway Station: નવરાત્રિ દરમિયાન જ નહીં, પરંતુ વર્ષ દરમિયાન લાખો માઈભક્તો શક્તિપીઠ મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચે છે. જોકે, અત્યાર સુધી અંબાજી માટે સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોવાથી ભક્તોએ અન્ય પરિવહનનાં સાધનો પર આધાર રાખવો પડતો હતો. હવે આ સ્થિતિ બદલવાની દિશામાં રેલવે દ્વારા તારંગાહિલ–અંબાજી–આબુ રોડ વચ્ચે 117 કિલોમીટરની નવી રેલવે લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અંદાજે 3,050 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટમાં રેલવે લાઇનની સાથે અનેક ટનલ અને પુલોનું બાંધકામ પણ ચાલી રહ્યું છે. અંબાજીથી આબુ રોડ વચ્ચેની સૌથી લાંબી ટનલનું ખોદકામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે, જ્યારે અન્ય સ્થળોએ ટનલ બનાવવાની કામગીરી ચાલુ છે. બીજી તરફ, અંબાજી રેલવે સ્ટેશનનું બાંધકામ પણ પ્રગતિમાં છે.



આ પ્રોજેક્ટ હેઠળ અંબાજી રેલવે સ્ટેશનને સામાન્ય સ્ટેશનની જગ્યાએ ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન છે. સ્ટેશનની બહારની ડિઝાઇન મા અંબાના મંદિરની સ્થાપત્ય શૈલી પર આધારિત હશે, જ્યારે અંદર એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સ્ટેશન પર 100 રૂમની બજેટ હોટલ બનાવવાનું પણ આયોજન છે, જેથી દર્શન માટે આવતા ભક્તોને રોકાણની સુવિધા મળી શકે.

સૌથી લાંબી ટનલનું ખોદકામ અંતિમ તબક્કામાં

તારંગાહિલ–અંબાજી–આબુ રોડ રેલવે લાઇનનો માર્ગ દુર્ગમ પહાડી વિસ્તારોમાંથી પસાર થવાનો હોવાથી પ્રોજેક્ટમાં અનેક ટનલ અને પુલોનું બાંધકામ સામેલ છે. અંબાજીથી આબુ રોડ વચ્ચેની સૌથી લાંબી ટનલનું ખોદકામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. અન્ય સ્થળોએ પણ ટનલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પહાડી વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર કરવા માટે આ ટનલ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ટનલ અને પુલોનું બાંધકામ પૂર્ણ થયા બાદ ટ્રેક નાખવા સહિતની આગળની કામગીરીને વેગ મળશે.

image.png

મંદિરની થીમ પર અંબાજી સ્ટેશનની ડિઝાઇન

અંબાજી સ્ટેશનની મુખ્ય ઇમારતનું બાહ્ય સ્વરૂપ શ્રી આરાસુરી અંબા માતાજીના મંદિરની થીમ પર તૈયાર કરવાની યોજના છે. પરંપરાગત ભારતીય મંદિર સ્થાપત્યની ઝલક સાથે સ્ટેશનને ભવ્ય દેખાવ આપવામાં આવશે. સ્ટેશનના થાંભલા, દિવાલો અને અન્ય ભાગોમાં સ્થાનિક પથ્થરો, નકશીકામ, જાળીદાર કલાત્મક રચનાઓ અને દેવી સાથે જોડાયેલા પ્રસંગો દર્શાવતાં વોલ મ્યુરલ્સનો ઉપયોગ કરવાની કલ્પના છે.

WhatsApp Image 2026-10-19 at 12.19.04 PM.jpeg

સ્ટેશનનું ઇન્ટિરિયર એરપોર્ટની તર્જ પર આધુનિક અને આકર્ષક બનાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર પર વૃદ્ધો અને દિવ્યાંગ પેસેન્જરોને સરળતાથી અવરજવર કરી શકાય તેવી વ્યવસ્થા રાખવાનું આયોજન છે. સ્ટેશનની બહાર ભવ્ય અરાઇવલ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ અને વાહનો માટે વ્યવસ્થિત પાર્કિંગની સુવિધા પણ વિકસાવવામાં આવશે.

પાંચ માળની ઇમારતમાં 100 રૂમની બજેટ હોટલ

અંબાજી સ્ટેશનના વિકાસ આયોજનમાં પાંચ માળની ઇમારતનો પણ સમાવેશ થાય છે. તેમાં 100 રૂમની આધુનિક બજેટ હોટલ બનાવવાનું આયોજન છે. તેનાથી દૂરના વિસ્તારોમાંથી આવતા ભક્તો અને પ્રવાસીઓને સ્ટેશન પર જ રોકાણ માટે વિકલ્પ મળી શકશે. ધાર્મિક પ્રવાસનને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર આધુનિક સુવિધાઓ વિકસાવવાનો હેતુ છે.

WhatsApp Image 2026-10-19 at 12.19.38 PM (1).jpeg

તારંગાહિલ–અંબાજી–આબુ રોડ નવી રેલવે લાઇનની વિગતો

•લંબાઈ: 117 કિલોમીટર
•અંદાજિત સુધારેલી કુલ કિંમત: 3,050 કરોડ
•કુલ સ્ટેશન: 15
•ક્રોસિંગ સ્ટેશન: 8
•હોલ્ટ સ્ટેશન: 7
•ટનલ: 11
•મોટા પુલ: 54
•નાના પુલ: 151
•રોડ ઓવરબ્રિજ: 8
•રોડ અંડરબ્રિજ/મર્યાદિત ઊંચાઈવાળા પુલ: 54

આ લાઇનનું સંચાલન ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક્શન પર કરવાની યોજના છે. પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાંધકામની કામગીરી પ્રગતિમાં હોવાનું રેલવેની માહિતીમાં જણાવાયું છે.

ગુજરાત-રાજસ્થાનનાં ધાર્મિક સ્થળો વચ્ચે કનેક્ટિવિટી વધશે

નવી રેલવે લાઇનથી અંબાજી ઉપરાંત તારંગાહિલ અને આબુ રોડ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે. આ માર્ગ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓ તેમજ રાજસ્થાનના સિરોહી વિસ્તાર માટે ઉપયોગી બનવાની અપેક્ષા છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ધાર્મિક યાત્રા, પ્રવાસન અને માલ પરિવહનને વેગ મળવાની સાથે સ્થાનિક સ્તરે રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓ વધવાની શક્યતા છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મા અંબાના દર્શન માટે આવતા લાખો ભક્તોને રેલવે દ્વારા અંબાજી પહોંચવાનો નવો વિકલ્પ મળી શકશે.