ગણેશજીનું વાહન ઉંદર કેમ બન્યું? જાણો તેની પાછળની પૌરાણિક કથા
Ganesh Chaturthi 2025: ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાનું એક વાહન હોય છે, જે પશુ કે પંખી સ્વરૂપે હોય છે. જેમ કે, શિવજીનું વાહન નંદી (આખલો), માતાજીનું સિંહ અને કાર્તિકેયનું મોર. આ જ રીતે, ગણેશજીનું વાહન ઉંદર છે. શું તમે જાણો છો કે આ ઉંદર સામાન્ય નથી, પરંતુ એક અસુર છે જે ગણેશજીનો સેવક અને વાહન બન્યો?
આ પણ વાંચો: ગણેશ ચતુર્થીની સાંજે ઘરની આ દિશામાં પ્રગટાવો દીવો, મળશે બાપ્પાના આશીર્વાદ
અસુરનું વરદાન અને ઋષિઓની મુશ્કેલી
જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ અંગે એક પૌરાણિક કથા પ્રચલિત છે. એક સમયે એક અસુર પોતાના તપોબળને કારણે ખૂબ જ શક્તિશાળી બની ગયો હતો. આ શક્તિના ઘમંડમાં તે નિર્દોષ જીવોને હેરાન કરવા લાગ્યો. તેનો અત્યાચાર એટલો વધી ગયો કે તેણે ઉંદરનું રૂપ ધારણ કરીને ઋષિઓના આશ્રમમાં ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું. તે ઋષિઓના યજ્ઞોમાં અવરોધ ઊભો કરતો અને તેમના કાર્યોમાં વિક્ષેપ પાડતો. ઋષિઓ તેનાથી ખૂબ જ પરેશાન થઈ ગયા અને આ અસુરના અત્યાચારમાંથી મુક્તિ મેળવવા ભગવાન ભોળાનાથ પાસે મદદ માગી.
ભોળાનાથે ઋષિઓની પીડા સાંભળી અને તેમને આશ્વાસન આપ્યું. તેમણે ગણેશજીને બોલાવીને આ અસુરને કાબૂમાં લાવવા માટે કહ્યું.
ગણેશજી અને અસુર વચ્ચેનું યુદ્ધ
ગણેશજી ઋષિઓ સાથે તેમના આશ્રમમાં ગયા અને તેમની રક્ષા કરવા લાગ્યા. જ્યારે અસુરે ફરીથી ઉંદરનું રૂપ લઈ ઉત્પાત મચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગણેશજી અને ઉંદરરૂપી અસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અસુર પોતાના તપોબળના કારણે ગણેશજી સામે ટકી રહ્યો હતો, પરંતુ જ્યારે ગણેશજીએ પોતાની દિવ્ય શક્તિ અને પાશ (એક પ્રકારનું દોરડું) વડે તેને પકડ્યો, ત્યારે તે અસુર છૂટી શક્યો નહીં.
આ પણ વાંચો: ક્યારે છે રાધા અષ્ટમી? આ ઉપાયથી મેળવો કિશોરીજીની કૃપા, લગ્નમાં આવતી અડચણો થશે દૂર
પાશમાં બંધાયેલા અસુરે પોતાની હાર સ્વીકારી અને ગણેશજી પાસે દયાની ભીખ માગી. તેણે ગણેશજીની સેવા કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ગણેશજીએ ઉદારતાપૂર્વક તેની વિનંતી સ્વીકારી અને તેને પોતાનું વાહન બનાવ્યો. ગણેશજીએ તેને આશીર્વાદ આપ્યા કે સવારી કરતી વખતે તેને ગણેશજીનું વજન પણ ભારે નહીં લાગે.
આ રીતે, એક અત્યાચારી અસુર ગણેશજીના વાહન અને સેવક તરીકે સ્વીકારાયો અને હંમેશા માટે ગણેશજી સાથે જોડાયેલો રહ્યો.