Astro

પિતૃ પક્ષ 2026: પહેલીવાર શ્રાદ્ધ-પિંડદાન કરનારા ભૂલથી પણ ન કરે આ 5 ભૂલ, પિતૃદોષથી બચો!

By GS Team
25 Sep 20263 mins read
TukuTouch Logo
હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. 2026માં આ પવિત્ર પખવાડિયું 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ 10 ઓક્ટોબર, સર્વપિતૃ અમાસના દિવસે સમાપ્ત થશે. ભાદરવા સુદ પૂનમ પછી કૃષ્ણ પક્ષની એકમથી આસો અમાસ સુધી ચાલતા આ 14 દિવસમાં પૂર્વજોના પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરાય છે. આ સમય પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતૃ પક્ષ 2026: પહેલીવાર શ્રાદ્ધ-પિંડદાન કરનારા ભૂલથી પણ ન કરે આ 5 ભૂલ, પિતૃદોષથી બચો!

Pitru Paksha 2026 : હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર પખવાડિયા દરમિયાન લોકો પોતાના પૂર્વજો એટલે કે પિતૃઓનું પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરે છે. દર વર્ષે ભાદરવા સુદ પૂનમ પછી કૃષ્ણ પક્ષની એકમથી લઈને આસો મહિનાની અમાસ સુધી આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે. આ સમય પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સોનેરી અવસર ગણાય છે. સદીઓથી પેઢી દર પેઢી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા અંતર્ગત, જે લોકો આ વર્ષે પહેલી વાર પિતૃઓનું શ્રાદ્ધ કરવા જઈ રહ્યા છે, તેમણે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પિતૃ પક્ષ 2026ની શરૂઆત અને સમાપનની તારીખો

પિતૃ પક્ષની તારીખોને લઈને અવારનવાર લોકોમાં મૂંઝવણ રહેતી હોય છે. કેટલાક લોકો પિતૃ પક્ષની ગણતરી પૂનમથી કરે છે, તો કેટલાક એકમથી ગણે છે. હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે 26 સપ્ટેમ્બર-2026, શનિવારના રોજ 'સ્નાન-દાનની પૂનમ' રહેશે. જ્યારે પિતૃ પક્ષની વિધિવત શરૂઆત 27 સપ્ટેમ્બર 2026, રવિવારથી થઈ રહી છે.

પિતૃ પક્ષનું સમાપન 10 ઓક્ટોબર શનિવારના રોજ સર્વપિતૃ અમાસના દિવસે થશે. આ દિવસને 'સ્નાન-દાન શ્રાદ્ધ અમાસ', પિતૃ વિસર્જન અને મહાલય સમાપ્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આ વર્ષે પિતૃ પક્ષ કુલ 14 દિવસ સુધી ચાલશે. પિતૃ પક્ષ સમાપ્ત થયાના બીજા જ દિવસથી એટલે કે 11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થશે.

શ્રાદ્ધ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વના નિયમો

પહેલી વાર પિતૃઓનું શ્રાદ્ધ કરવા જઈ રહેલા લોકોએ ખાસ કરીને પૂર્વજોની પુણ્યતિથિનું ધ્યાન રાખવું જોઈએ. જે તિથિએ તેમનું અવસાન થયું હોય, તે જ તિથિએ તેમનું શ્રાદ્ધ કરવું યોગ્ય માનવામાં આવે છે. જો કોઈ કારણસર પુણ્યતિથિ યાદ ન હોય, તો સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે. જો કોઈ પૂર્વજનું અકાળ મૃત્યુ, અકસ્માત કે અસામાન્ય પરિસ્થિતિમાં અવસાન થયું હોય, તો તેમનું શ્રાદ્ધ ચૌદશની તિથિએ કરવું શુભ મનાય છે, કારણ કે ચૌદશનું શ્રાદ્ધ સામાન્ય મૃત્યુ માટે કરવામાં આવતું નથી.

પિતૃ પક્ષ દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન

  • પિતૃ પક્ષ દરમિયાન સંપૂર્ણ સાત્વિક આહાર જ લેવો જોઈએ અને માંસાહાર કે આલ્કોહોલનું સેવન સદંતર ટાળવું જોઈએ.
  • લસણ, ડુંગળી અને મસૂરની દાળ જેવા તામસિક ભોજનથી દૂર રહેવું.
  • ઘરમાં શાંતિ જાળવવી અને ક્રોધ કે વિવાદ ન કરવો.
  • આ દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું આવશ્યક છે.
  • આ ઉપરાંત પિતૃ પક્ષના સમયગાળા દરમિયાન ગૃહપ્રવેશ, લગ્ન જેવા કોઈ પણ માંગલિક કાર્યોનું આયોજન ટાળવું જોઈએ, અન્યથા તેના અશુભ પરિણામો મળી શકે છે.

પિંડદાન અને શ્રાદ્ધ કરવાની વિધિ

  • શ્રાદ્ધ કર્મ, તર્પણ અને પિંડદાન કરતી વખતે શ્વેત એટલે કે સફેદ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. સૌપ્રથમ જવના લોટમાંથી પિંડ બનાવી લેવો.
  • ત્યારબાદ દર્ભના આસન (કુશાસન) પર ચોખા, કાચો સૂતરનો દોરો, ફૂલ, ચંદન, અગરબત્તી, ધૂપ, તલ અને જવ વગેરે મૂકીને પિંડ પૂજન કરવું જોઈએ.
  • પૂજન પછી પિંડને હાથમાં રાખીને ‘ઈદં પિણ્ડં (પિતૃનું નામ અને ગોત્ર બોલવું) તેભ્યઃ સ્વધા’ મંત્રનો જાપ કરવો. ત્યારબાદ અંગૂઠા અને પહેલી આંગળી (તર્જની)ની વચ્ચેથી પિંડને મુક્ત કરવો.
  • વિધિ પૂર્ણ થયા બાદ પિંડને નદી કે વહેતા પાણીમાં પધરાવી દેવો અથવા પીપળાના વૃક્ષના થડ પાસે મૂકી દેવો.

સમય અને દિશાના નિયમો પણ મહત્વપૂર્ણ

  • શ્રાદ્ધ હંમેશા બપોરના સમયે જ કરવું જોઈએ, સવારે કે સાંજે શ્રાદ્ધ કરવાની મનાઈ છે.
  • આ કર્મ કરતી વખતે મુખ હંમેશા દક્ષિણ દિશા તરફ રાખવું, કેમ કે દક્ષિણ દિશા યમરાજ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે.
  • આ સાથે જ પિતૃઓના શ્રાદ્ધ દરમિયાન જમણેથી ડાબે નહીં, પરંતુ ડાબેથી જમણી તરફ પરિક્રમા કરવી જોઈએ.