મહાદેવના આ મંદિરમાં 1 કરોડથી વધુ શિવલિંગ, માત્ર પીળા દોરાથી મનોકામના પૂર્ણ થતી હોવાની છે માન્યતા
Kotilingeshwar Mahadev: શિવજીનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેમાં પણ સોમવારનું ખાસ મહત્ત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે, જો આ દિવસે ભગવાનના મંદિરમાં જઈને પૂજા કરવામાં આવે તો સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભારતમાં ભગવાન શિવના અનેક એવા મંદિરો આવેલા છે કે, જેનું આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ સાથે જ મહાદેવના તમામ મંદિરો પંચતત્ત્વો પણ દર્શાવે છે. તો ભારતના કર્ણાટક રાજ્યમાં ભગવાન શિવનું એક એવું મંદિર આવેલું છે, જ્યાં એશિયાનું સૌથી ઊંચું શિવલિંગ છે, અને 1 કરોડ શિવલિંગ પણ સ્થાપિત છે. ચાલો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી માન્યતા.
આ પણ વાંચો: 'ગટરના કીડાને અમૃત કુંડ પસંદ નહીં આવે', વિરોધીઓને પ્રેમાનંદ મહારાજનો જવાબ
શું છે કોટિલિંગેશ્વર મહાદેવ મંદિરની માન્યતા
કર્ણાટકના કોલાર જિલ્લાના કામાં સાંડ્રા ગામમાં આવેલું કોટિલિંગેશ્વર ધામ મહાદેવનું એક અનોખું મંદિર છે. આ ધામ તેના 108 ફૂટ ઊંચા શિવલિંગ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જેને વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ માનવામાં આવે છે. આ મંદિરની બીજી એક ખાસિયત એ છે કે, અહીં લાખો નાના શિવલિંગ સ્થાપિત છે. એવી પરંપરા છે કે જ્યારે કોઈ ભક્તની ઇચ્છા પૂર્ણ થાય છે, ત્યારે તે તેની ક્ષમતા અનુસાર અહીં 1થી 3 ફૂટનું શિવલિંગ સ્થાપિત કરાવે છે.
ચમત્કારિક છે કોટિલિંગેશ્વર મંદિર
આ મંદિરમાં એક ખૂબ જ વિશાળ શિવલિંગ સ્થાપિત છે, જેની સામે નંદી મહારાજ ભવ્ય અને વિશાળ સ્વરૂપમાં બિરાજમાન છે. આ વિશાળ શિવલિંગની ત્રણ બાજુએ, માતા દેવી, ગણેશજી, કુમારસ્વામી અને નંદી મહારાજની મૂર્તિઓ એવી રીતે શણગારવામાં આવી છે કે, જાણે તેઓ તેમના પ્રિય ભગવાનની પૂજામાં લીન હોય. મંદિરનો આ નજારો અને અહીં બધી મનોકામના પૂર્ણ થાય છે, તેવી માન્યતાથી દૂર-દૂરથી હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.
મંદિર સંકુલમાં 11 અન્ય નાના મંદિરો
અહીં જ્યારે પણ કોઈ ભક્ત મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને એવું લાગે છે કે, જાણે તેણે કોટિલિંગેશ્વરની મૂર્તિ જોયા પછી ભગવાન શિવના સાક્ષાત દર્શન થયા હોય. કોટિલિંગેશ્વરના રૂપમાં ભોલેનાથ ખૂબ જ ભક્તિમય અને સરળ દેખાઈ રહ્યા છે. જાણે કે તે પોતાના ભક્તોના દુ:ખ અને પીડા દૂર કરવા માટે તત્પર હોય. મુખ્ય મંદિર ઉપરાંત આ મંદિર સંકુલમાં 11 અન્ય નાના મંદિરો છે, જેમાં બ્રહ્માજી, વિષ્ણુજી, અન્નપૂર્ણેશ્વરી દેવી, વેંકટરામણી સ્વામી, પાંડુરંગા સ્વામી, પંચમુખ ગણપતિ અને રામ, લક્ષ્મણ અને સીતાના મંદિરો મુખ્ય છે.
બે વૃક્ષો પર પીળા દોરા બાંધવાથી દરેક મનોકામના પૂર્ણ
અહીંની એક ખાસ માન્યતા એવી છે કે, મંદિર સંકુલમાં બે વૃક્ષો પર પીળા દોરા બાંધવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને લગ્નના મામલે આવતા અવરોધો દૂર થાય છે. મંદિરનું વહીવટી તંત્ર ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન નજીવી ફી લઈને પૂરા કાર્યક્રમની વ્યવસ્થા કરી આપે છે. મંદિરમાં દૂર દૂરથી આવતા ભક્તો માટે ભોજન અને રહેવાની સારી વ્યવસ્થા પણ આપવામાં આવે છે. મહાશિવરાત્રિ પર આ મંદિરની સુંદરતા જોવાલાયક હોય છે, જ્યારે લાખો ભક્તો ભગવાન શિવની પૂજા કરીને ધન્યતા અનુભવે છે.