શ્રાવણ માસ 2026: શિવલિંગ પર કઈ વસ્તુ અર્પણ કરવાથી શું ફળ મળે છે? જાણો પૂજનની વિધિ અને નિયમો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shravan 2026: હિન્દુ ધર્મમાં શિવજીની આરાધનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. શિવલિંગનું પૂજન દરરોજ ભક્તિભાવ સાથે કરી શકાય છે, પરંતુ જો તે યોગ્ય વિધિ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો જીવનના અનેક સંકટોમાંથી મુક્તિ મળી શકે છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના માર્ગદર્શન મુજબ, શિવલિંગ પૂજન અને અભિષેકથી ભક્તને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
પૂજા અને અભિષેક માટેના નિયમો
શિવલિંગ પર જળ કે દૂધ (ગરમ કર્યા વગરનું) અર્પણ કરવાથી જીવનના ઉદ્વેગ શાંત થાય છે અને શિવકૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર, જળ અભિષેક કરતી વખતે ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ રાખવાનો આગ્રહ રાખવામાં આવે છે. જોકે, બેસવાની અનુકૂળતા સાથે મનનો ભક્તિભાવ મુખ્ય છે. પિતૃઓની તૃપ્તિ અને સદગતિ માટે નૈઋત્ય અથવા દક્ષિણ દિશા તરફ મુખ રાખવાની વાત પણ જોવા મળે છે. શિવલિંગની પ્રદક્ષિણા હંમેશા અર્ધી જ કરવામાં આવે છે, કારણ કે ગૌમુખ ઓળંગવાની મર્યાદા હોય છે.
વિવિધ દ્રવ્યો ચઢાવવાના ચમત્કારિક લાભો
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, શિવલિંગ પર અલગ-અલગ સામગ્રી અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે.
- ચોખા (આખા અને ટુકડા વગરના): ધનયોગ બને છે અને ચંદ્ર ગ્રહની નિર્બળતા દૂર થાય છે.
- જવ: જીવનની રુકાવટો દૂર થાય છે.
- મગ: શુભત્વમાં વધારો થાય છે.
- કાળા તલ: સંઘર્ષ દૂર થાય છે અને અશુભ ગ્રહોના દુષ્પરિણામો સામે રક્ષા મળે છે.
- પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને સાકર): દૂધથી શિવકૃપા, દહીંથી જડતા દૂર થાય, ઘીથી બળ વૃદ્ધિ, મધથી સંકલ્પ સિદ્ધિ અને સાકરથી ખુશીઓ વધે છે. આ પાંચેયના સંયોજનથી બનતા પંચામૃતના અભિષેકથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
- શેરડીનો રસ: નાણાકીય ભીડમાં રાહત મળે છે તથા યુવકોના લગ્નમાં આવતી રુકાવટો કે દ્વિધા દૂર થાય છે.
- સફેદ ચંદન: ભક્તોના જીવને શાંતિ આપે છે.
- બીલીપત્ર: શિવજીને અત્યંત પ્રિય છે, જે અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મંત્ર અને સ્તોત્રનું મહત્ત્વ
શિવલિંગ પૂજનની સાથે શિવના વિવિધ મંત્રો, સ્તોત્ર અને કવચનો પાઠ ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. રુદ્રાક્ષની માળાથી શિવમંત્રનો જાપ વધુ પ્રભાવશાળી બને છે. આરોગ્ય સંબંધી ચિંતાઓ કે અન્ય મુશ્કેલીઓ માટે 'મહામૃત્યુંજય મંત્ર' અત્યંત અસરકારક માનવામાં આવે છે. શિવ ભક્તિ અને યોગ્ય માર્ગદર્શન સાથે કરવામાં આવેલી ઉપાસનાથી જીવનમાં ઉન્નતિ, સદગતિ અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.









